સુરતમાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ અકસ્માતમાં મદદ કરી
મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી દીધો
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા
સુરતના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવાનને પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડતા લોકો દ્વારા આરોગ્યમંત્રીની કામગીરીની સરાહના કરાઈ હતી.
સુરતના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની માનવતા ભરી કામગીરી આંખે ઉડીની વળગી છે. રવિવારે રાત્રે અંદાજે 8:15 વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મહુવા-તળાજા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એન્થમ સર્કલ પાસેથી પસાર થતી વખતે તેમની નજર રસ્તાની સાઈડમાં પડેલા એક 20-22 વર્ષના યુવાન પર પડી હતી, જે અકસ્માતનો ભોગ બન્યો હતો. મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી દીધો હતો અને નીચે ઉતરી યુવાનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, ભારે ટ્રાફિક હોવાને કારણે એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને મંત્રીએ સમય બગાડવાને બદલે પોતાની સાથે રહેલી પાયલોટ જીપમાં જ યુવાનને સુવડાવ્યો હતો. પોલીસ જવાનોને તાત્કાલિક યોગીચોક સ્થિત સમર્પણ હોસ્પિટલ પહોંચવા આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં પણ ફોન કરીને આગોતરી જાણ કરી જેથી સારવારમાં વિલંબ ન થાય. અકસ્માત સમયે ગોલ્ડન અવર ખૂબ કિંમતી હોય છે. મંત્રીએ પોતાના પ્રોટોકોલની પરવા કર્યા વગર જે રીતે યુવાનની મદદ કરી તેની સ્થાનિકોએ પણ સરાહના કરી હતી.
