સુરતમાં મોહર્રમ પર્વ નિમિત્તે તાજીયાના જુલૂસ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મોહર્રમ પર્વ નિમિત્તે તાજીયાના જુલૂસ
શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તાજીયાના જુલૂસ નીકળ્યા.
સૌપ્રથમ પહોંચેલા 10 તાજીયાઓનું સન્માન પણ કરાયુ

સુરતમાં મોહર્રમ પર્વ નિમિત્તે શુક્રવારે તાજીયાના જુલૂસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યા. ઝાંપા બજારથી શરૂ થયેલા જુલૂસનું ભાગળ ચાર રસ્તા ખાતે પોલીસ, જનપ્રતિનિધિઓ અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ સૌપ્રથમ પહોંચેલા 10 તાજીયાઓનું સન્માન પણ કરાયુ હતું.

સુરત શહેરમાં મોહર્રમ પર્વ નિમિત્તે શુક્રવારે આસ્થા, શ્રદ્ધા અને કોમી એકતાના રંગો સાથે તાજીયાના ભવ્ય જુલૂસ નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત રીતે તાજીયા સાથે માતમ કરી જુલૂસમાં ભાગ લીધો હતો. ઝાંપા બજારથી શરૂ થયેલો મુખ્ય જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભાગળ ચાર રસ્તા પહોંચ્યો હતો, જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાગળ ચાર રસ્તા ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, લોકપ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર એક મંચ પર જોવા મળ્યા હતા. સુરતના પ્રથમ નાગરિક મેયર માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરજાદા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના આગેવાનો, ધારાસભ્યો તેમજ તાજીયા કમિટીના સભ્યોએ ઉપસ્થિત રહી તાજીયા જુલૂસનું સ્વાગત કર્યું હતું. આ દ્રશ્યોએ શહેરમાં કોમી સૌહાર્દ અને ભાઈચારાનો મજબૂત સંદેશ આપ્યો હતો. જુલૂસ દરમિયાન સૌથી પહેલા ભાગળ ચાર રસ્તા પહોંચેલા 10 તાજીયાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાત્મક અને આકર્ષક તાજીયાઓનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ આકૃતિવાળા તાજીયાઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. તાજીયા કમિટીના હોદ્દેદારો અને મહાનુભાવોના હસ્તે વિજેતા મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જુલૂસ દરમિયાન સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરતા રહ્યા હતા. ભારે ભીડ છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો. મોહર્રમના આ પવિત્ર અવસરે સુરત શહેરે ફરી એકવાર ધાર્મિક સૌહાર્દ, પરસ્પર સન્માન અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું, જ્યાં વિવિધ સમાજના લોકો એક સાથે જોડાઈ ભાઈચારાનો સંદેશ આપતા નજરે પડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *