ગીર સોમનાથના દારૂ ઘુસાડવા બુટલેગરનો અનોખો કીમિયો

Featured Video Play Icon
Spread the love

ગીર સોમનાથના દારૂ ઘુસાડવા બુટલેગરનો અનોખો કીમિયો
ઉનામાં પોસ્ટ પાર્સલમાં દારૂની હેરાફેરી પકડાઈ
દિવથી ઉના સુધી પોસ્ટ માસ્તરની મદદથી દારૂની હેરાફેરી કરતા પકડાઈ

ઉના પોલીસે દિવથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના નવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બુટલેગરો દ્વારા નવો કીમિયો અજમાવીને પોસ્ટ વિભાગના પાર્સલ મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉનાને અડીને આવેલા સંઘ પ્રદેશ દિવમાંથી ગેરકાયદે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. અને પોલીસથી બચવા માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવવામાં આવે છે જેમાં વાહનોમાં ચોરખાના બનાવી દારૂ સંતાડીને લઈ આવવો, દૂધ કેનમાં, શાકભાજીના કેરેટમાં દારૂ છુપાડીને લઈ આવતા, એસ.ટી.બસમાં દારૂ છૂપાવી લઈ આવતા આવા અનેક કિમીયાને પોલીસે નાકામ બનાવ્યા છે, ત્યારે વધુ એક કિમીયાને ઉના પોલીસે નાકામ બનાવ્યો છે. ઉના સીટી પોલીસ ઈન્સપેક્ટર મહેન્દ્રસિંહ રાણાના જણાવ્યા મુજબ, સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે દેલવાડા રોડ પરથી એક્ટિવા સ્કૂટર પર જતા નયન ધીરજલાલ જેઠવાને ઝડપી લીધો હતો. એક્ટિવાની ડેકીમાંથી પોસ્ટ વિભાગના ટેગવાળા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

ઉનાના વરસિંગ રોડ પર રહેતા મજૂર નયન જેઠવાએ પૂછપરછમાં કબૂલ્યું કે, તેણે દિવથી દારૂની ખરીદી કરી હતી. દિવ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા તેના મિત્ર મયુર બેચરભાઈ ગોહિલે આ દારૂને પોસ્ટ પાર્સલ તરીકે દિવથી ઉના મોકલ્યો હતો.પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મોપેડ સહિત કુલ રૂ. 35,517નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે આરોપી દિવ પોસ્ટ માસ્તર મયુર બેચર ગોહિલને પણ રાઉન્ડઅપ કરી લીધો છે. બન્ને યુવકની પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી અગાઉ કેટલી વાર આવી રીતે દારૂની ખેપ લગાવી છે ? અને કેટલો જથ્થો દિવમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો છે ? ઉનામાં આ દારૂનો જથ્થો કોને પહોંચાડવામાં આવતો હતો ? કઈ રીતે વેચાણ કરતા ? આ કારસ્તાનમાં વધુ કેટલા ઈસમોની સંડોવણી છે? આ તમામ મુદ્દે પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *