સુરતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા
ટિકિટ માટે કાર્યકરોનો ઉત્સાહ, બે દિવસમાં 575થી વધુ દાવેદારોએ ફોર્મ ભર્યા
સુરત જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ઉમેદવારોનો ભારે ધસારો: બે દિવસમાં 575થી વધુ દાવેદારો મેદાનમાં
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાતાની સાથે જ સુરત જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. મધ્યસ્થકાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયાના બીજા દિવસે પલસાણા અને બારડોલી પંથકના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજા દિવસે જિલ્લા પંચાયતની 8 બેઠકો,તાલુકા પંચાયતની 8 બેઠકો અને બારડોલી નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજના દિવસે પલસાણા અને બારડોલી તાલુકા તેમજ નગરપાલિકા મળીને કુલ 275 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. નોંધનીય છે કે ગઈકાલે મહુવા, અંબિકા અને ચોર્યાસી તાલુકા સહિત કડોદરા નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા દરમિયાન 300થી વધુ ફોર્મ ભરાયા હતા. આમ, માત્ર બે જ દિવસમાં કુલ દાવેદારોનો આંકડો 575ને વટાવી ગયો છે, જે ભાજપમાં ટિકિટ મેળવવા માટેની આંતરિક સ્પર્ધા અને કાર્યકરોનો ઉત્સાહ દર્શાવે છે. હવે નિરીક્ષકો દ્વારા આ તમામ દાવેદારોની વિગતો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાં આખરી ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે…
