નડિયાદ મનપા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન

Featured Video Play Icon
Spread the love

નડિયાદ મનપા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન
1978 માં બનાવેલી 48 દુકાન તોડવાની કામગીરી શરૂ
સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઇ

નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રશાસન દ્વારા આજે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હાઇકોર્ટની મંજૂરી બાદ આજે 9 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 47 વર્ષ જૂનું સરદાર ભુવન તોડવાનું શરૂ કરાયું છે.

નડિયાદ નગરપાલિકામાં શહેરના વિકાસ અને જર્જરિત મિલકતોને હટાવવાના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા વહેલી સવારથી જ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નડિયાદના સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલા સરદાર ભુવનનું નિર્માણ વર્ષ 1978માં નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 48 જેટલી દુકાનો આવેલી છે. આ દુકાનો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેને હટાવવાનો નિર્ણય લેવાયો હતો. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ દુકાનો ખાલી કરવા માટે વેપારીઓને નોટિસો ફટકારવામાં આવી રહી હતી. જોકે, વેપારીઓ અને તંત્ર વચ્ચે લાંબા સમય સુધી ખેંચતાણ ચાલી હતી. અંતે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ કાયદાકીય પ્રક્રિયા બાદ મનપાને ડિમોલિશન માટે લીલી ઝંડી મળી ગઈ હતી.

ડિમોલિશનની અંતિમ પૂર્વ તૈયારી રૂપે ગઈકાલે જ મનપા દ્વારા તમામ દુકાનદારોને સામાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. તંત્રની આ તાકીદના પગલે, વેપારીઓએ ગત મોડી રાત સુધી પોતાની દુકાનોમાંથી માલ-સામાન ખાલી કરવાની કામગીરી કરી હતી, જેથી નુકસાન ઘટાડી શકાય. આજે વહેલી સવારથી જ કોર્પોરેશનની ટીમ 9 જેટલા JCB મશીનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર આટલી મોટી સંખ્યામાં મશીનરી અને કાફલો જોઈને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને કાબૂમાં રાખવા અને શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *