બારડોલીના નિણત નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

બારડોલીના નિણત નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
દારૂના સપ્લાયર અને મંગાવનાર સહિત અન્ય સાત ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા
સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરી

બારડોલી: સુરત ગ્રામ્યના બારડોલી તાલુકાના નિણત ગામની સીમમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી), ગાંધીનગરની ટીમે એક મોટી કાર્યવાહી કરીને પ્રોહીબિશનનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ સફળ રેડમાં ₹38,86,776ની કુલ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂના સપ્લાયર અને મંગાવનાર સહિત અન્ય સાત ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, “દમણથી સિલ્વર કલરની ક્રેટા કાર (GJ-06-JE-6746) અને સફેદ કલરની ઇનોવા ગાડી (GJ-18-BH-9529)માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પીકેન પટેલ (રહે. દમણ)એ ભરાવી ડ્રાઇવરો મારફતે નવસારીના ખારેલથી મુંબઇ-દિલ્હી નવા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ સુરત જિલ્લામાં જનાર છે”. આ બાતમીની ખાતરી કરીને પોલીસ સ્ટાફ અને પંચો સાથે નિણત ગામની સીમમાં પુણીથી સરભોણ તરફ જતા રોડ ઉપર બ્રિજ ઉતરતા નાકાબંધી માટે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળી ક્રેટા અને ઇનોવા ગાડીઓ નજીક આવતા, રોડ બ્લોક કરાયો હતો. ગાડીઓના ચાલકો ભાગવા જતા બ્રિજના ડિવાઇડર સાથે અથડાતા બન્ને ગાડીઓને આગળના ભાગે નુકશાન થયું હતું અને ટાયરો પંચર થઈ ગયા હતા. ડ્રાઈવરો ગાડીઓ મૂકી ખેતરમાં નાસવા લાગતા પોલીસે પીછો કરીને બે ઇસમોને પકડી પાડ્યા હતા. પકડાયેલ ઇસમોનું નામઠામ પૂછતાં એકે પોતાનું નામ અલ્પેશભાઇ ઉર્ફે દીકો દશરથભાઇ ધોડિયા પટેલ (ઉંમર: 26, રહે. રોહિણા, તા. પારડી, જિ. વલસાડ) હોવાનું જણાવ્યું હતું. બીજા ઇસમે પોતાનું નામ મિતુલ અશ્વિનભાઇ હળપતિ (ઉંમર: 24, રહે. કીકરલા, તા. પારડી, જિ. વલસાડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો આપનાર અને મંગાવનાર સહિત અન્ય સાત ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં પીકેન પટેલ (રહે. મોટી દમણ પરીયારી), અમીત કેવડી (રહે. ડાભેલ દમણ), શંભુ (રહે. હરીપુરા સુરત) અને રાહુલ, બંને વાહનોના ચાલક અને માલિકોનો સમાવેશ થાય છે. પોલીસે બંને વાહનોમાંથી પ્લાસ્ટિક અને કાચની બોટલો તેમજ ટીન બીયર મળીને કુલ 5,974 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો, જેની કિંમત ₹16,71,276/- છે. આ ઉપરાંત, ક્રેટા કાર કિં. ₹7,00,000, ઇનોવા ગાડી કિં. ₹15,00,000, અને 4 મોબાઇલ ફોન કિં. ₹15,500 સહિત કુલ ₹38,86,776નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *