બારડોલી-કડોદ રેલવે ફાટક 25 થી 28 ફેબ્રુઆરી સુધી બંધ
મરામત કામગીરીને કારણે વાહનવ્યવહાર પર પ્રતિબંધ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામડોદ ગામે આવેલું રેલવે ફાટક (LC-27) સમારકામ માટે ૨૫ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, હાલમાં બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી આ ફાટક બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો અને વાલીઓએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. આનંદ પટેલના માધ્યમથી રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. વ્યારા ખાતે એડીઈ (ADE) મનોજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે પરીક્ષાના સમયે ફાટક બંધ રહેવાથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે નહીં. આ રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપતા રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. વીડિયોમાં જણાવ્યા અનુસાર, ફાટકને એક જ કલાકમાં ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લું મૂકી દેવાની ખાતરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પરીક્ષાર્થીઓ અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક અગ્રણીઓએ પણ લોકહિતમાં આટલી ઝડપથી નિર્ણય લેવા બદલ રેલવે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે વિદ્યાર્થીઓ કોઈપણ વિલંબ વગર પોતાની પરીક્ષા આપી શકશે
