રાજકોટમાં સમૂહલગ્નમાં 555 નવવધૂને બગસરાનો માલ
સુરેન્દ્રનગરના પરિવારે જ્વેલર્સ પાસે દાગીના ચેક કરાવતા પોલ પકડાઈ,
આયોજકે ઘટનાને ‘સમજણફેર’ ગણાવી
રાજકોટમાં 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં આવ્યા છે. આ સમૂહલગ્નમાં 555 નવવધૂને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. જો કે, આ દાગીના અસલી નહીં, પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે.
રાજકોટમાં ફરી સમૂહલગ્નના આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે. જોકે, મુખ્ય આયોજક અને શિવાજી સેનાનાં પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહલગ્નમાં સોનાની એકમાત્ર ચૂંક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી છે. આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહલગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી. આ પીડિત પરિવારે જણાવ્યું કે, લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું. આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સમૂહલગ્નની કંકોત્રીમાં આયોજકોમાં બોમ્બે સુપરસીડના માલિક અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલનું પણ નામ છે. અરજદારે વિક્રમ સોરાણી સાથે પિન્ટુ પટેલના નામ સાથે પોલીસમાં અરજી કરી છે. ત્યારે આ મામલે પિન્ટુ પેટેલે જણાવ્યું કે, જે સમુહલગ્નનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં ક્યાંય હું આયોજક તરીકે નથી. હું દાતાઓની ભૂમિકામાં હતો. કુવાડવા વિસ્તારમાં સમુહલગ્ન થતા હોવાથી વિક્રમ સોરાણી અને તેની આખી ટીમ મારી પાસે આવી હતી. તેઓએ મને કહ્યું હતું કે, તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્રો સર્કલ, આજુબાજુના કારખાના-ઈન્ડસ્ટ્રિયલમાં સાથે રહીને જે કઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો અમને મદદરૂપ થાય. આ એક સહયોગથી હું તેમની સાથે રહ્યો છું. મારા કહેવાથી બધા દાતાઓએ દાન કરેલું છે. આર્થિક સહયોગ કરેલો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
