અંકલેશ્વરમાં ભેળસેળયુક્ત ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપાયું
મુન્દ્રાથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લાવી ડીઝલ તરીકે વેચતા 5 આરોપી પકડાયા,
41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલા માય ઇકો એનર્જી પંપ પર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન એક ટેન્કરમાંથી શંકાસ્પદ પ્રવાહી પંપની ગ્રાઉન્ડ ટાંકીમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું.
આરોપીઓ મુન્દ્રા પોર્ટ નજીક આવેલા ગોડાઉનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લાવીને તેને ડીઝલ તરીકે વેચતા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કર, 35,786 લીટર ભેળસેળયુક્ત પ્રવાહી અને 7 મોબાઇલ સહિત કુલ રૂ. 41.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંપના મેનેજર હિતેન મનસુખભાઇ કાનકડિયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં રાહુલ શહાની, અંકિત સિંઘ, અલ્પેશ પરમાર અને નવીન ઠાકોરનો સમાવેશ છે.
અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલા માય ઇકો એનર્જી પંપ પર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડતા પંપના માલિક બિવેશકુમાર સિંઘ, રઘુ વેલજીભાઇ ડાંગર અને મુન્દ્રા કચ્છના રાજદીપ ગોડાઉનના સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી