સુરતના ઓલપાડમાં 84મી વાર્ષિક સભા યોજાઈ
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ પર ભડક્યા
ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભામાં આપ્યું નિવેદન
ભ્રષ્ટાચાર અંગે મુકેશ પટેલ નથી કહેતો, ઓડિટ રિપોર્ટ કહે છે
1 રૂપિયો ખાધો હોય કે 5 લાખ, કૌભાંડીઓને છોડવાનો નથી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલી જહાંગીરપુરા ગ્રુપ કોટન સોસાયટીની 84મી વાર્ષિક સભા યોજાઈ હતી. આ મહત્ત્વપૂર્ણ સભામાં રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી મુકેશ પટેલે ભ્રષ્ટાચાર મામલે સહકારી ડિરેક્ટરો અને કર્મચારીઓ સામે તીખા પ્રહારો કર્યા હતા.
મુકેશ પટેલે સભામાં ખુલ્લેઆમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મને ભગવાને બધું આપ્યું છે, પણ ચમરબંધી સહકારી કૌભાંડીને ક્યારે છોડવાનો નથી. ભલે તેમણે એક રૂપિયો ખાધો હોય કે પાંચ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોય. ભ્રષ્ટાચાર અંગે હું મુકેશ પટેલ નથી કહેતો ઓડિટ રિપોર્ટ કહે છે. ભ્રષ્ટાચાર કર્યો છે આ મુકેશ પટેલનો શબ્દ નથી.મંત્રી મુકેશ પટેલે સભાને સંબોધિત કરતાં સ્પષ્ટ અને તીખા શબ્દોમાં કહ્યું કે, હું અગાઉ તમામ સહકારી મંડળીઓના દરેક નેતાઓને કહી ચૂક્યો છું કે, વહીવટ દરમિયાન જે પણ વ્યક્તિ સભાસદ ખેડૂતોના રૂપિયા ચાઉં કરશે એ ક્યારેય ચલાવવાનો નથી. જે ખેડૂતની ગામમાં એકપણ વીઘો જામીન નથી એવા લોકો 50 ગુણ રાસાયણિક ખાતર લઈ જાય એ જોવાની જવાબદારી મંડળીના તમામ ડિરેક્ટોરની છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘણા લોકો ગાળો આપી કહી રહ્યા છે કે, મંત્રી મુકેશ પટેલ સહકારી મંડળીઓમાં પણ માથા મારે છે, પરંતુ મારે એમને કહેવું છે કે, મારે તો કોઈ સહકારી મંડળીમાં જવું નથી. મને ભગવાને ઘણું બધું આપ્યું છે, પણ ચમરબંધી કૌભાંડીઓને ક્યારેય છોડવાનો નથી. ભલે તેમણે એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય કે પછી પાંચ લાખનો. મને જેટલી ગાળો આપવી હોય એટલી આપજો.બિચારો ખેડૂત રાત-દિવસ મહેનત કરે અને મંડળીના ડિરેક્ટરો કે કર્મચારીઓ પૈસા ખાઈ જાય એ નહીં ચલાવી લેવાય. તેમણે પશુપાલન કરતી બહેનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મારી બહેનો સવારે 4 વાગ્યે ઉઠીને પશુઓ માટે ઘાસચારો લાવે, મંડળીમાં દૂધ ભરે એમાં પણ આ લોકો કાળા હાથ કરી રહ્યા છે.આ વાર્ષિક સભા દરમિયાન મંડળીના પ્રમુખ પિયુષ પટેલે મંડળીનો આર્થિક અહેવાલ રજૂ કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, આ મંડળીની સભાસદ સંખ્યા 2083 છે, જેમાં શેર કેપિટલ 4.34 લાખ, રીઝર્વ ફંડ 6.87 લાખ તથા અન્ય વિવિધ ફંડ મળી કુલ મૂડી 3.07 કરોડ છે.