સોશિયલ મીડિયા સ્ટાર કીર્તી પટેલની મુશ્કેલીઓમાં ફરી વધારો
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
કીર્તી પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગુનો
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તી પટેલની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો હોય તેમ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તી પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વધુ એક ગુનો નોંધાયો છે.
સુરતની પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે સતત ચર્ચામાં રહેતી કીર્તી પટેલ ફરી કાયદાના સકંજામાં આવી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે કીર્તી પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા પુણા પોલીસ સ્ટેશનની બહાર પહોંચી બૂમાબૂમ અને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, પરિવારને બદનામ થાય તેવા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. હાલ ફરિયાદના આધારે સમગ્ર મામલે પુણા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
