કચ્છના આકાશમાં ડ્રોન દેખાતા અદાની-કંડલા પોર્ટ બંધ કરાયું,
કચ્છ કલેક્ટર આનંદ પટેલે નાગરિક ધર્મ નિભાવવા લોકોને અપીલ કરી
ભુજ – માધાપરમાં સતત સાયરન ચાલુ
1971ની સ્થિતિનું પુનરાવર્તન
કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે. વહેલી સવારે કચ્છીઓએ ખાટલામાં આંખ ખૂલતાં જ ડ્રોન ઊડતાં જોયાં હતાં. ત્યાર બાદ આદિપુરમાં એસઓજી ઓફિસ અને નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તૂટ્યું હતું. તો ભુજના લોરિયામાં પણ ડ્રોન દેખાયું હતું. ભારત-પાકિસ્તાન યુદ્ધને લઇને કચ્છ સરહદ પર જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. માહોલ એવો છે જાણે કે 1971ની સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.
કચ્છના કુરનમાં 8 મેની સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યાં બાદ રાત્રે સિરક્રીક પાસે વધુ ત્રણ ડ્રોન જોવા મળ્યાં હતાં. એવામાં બીજા દિવસે શુક્રવારે રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યાં હતાં. એમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયાકિનારે ત્રણ ડ્રોન ભારતીય જમીન તરફ આવતાં નજરે પડ્યાં હતાં. અહીં હાજર સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન જોયાં હતાં. અહીંના વીડિયો પણ ફરતા થયા છે, જોકે ત્યાર બાદ આ ડ્રોન ગાયબ થઇ ગયાં હતાં. અહીં લક્કી નાળા પાસે પણ ડ્રોન દેખાયાં હતાં. તો રાત્રે 11 વાગ્યાના અરસામાં કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવર બેટ પાસે પણ ડ્રોન નજરે ચડ્યાં હતાં. આ એ જ જગ્યા છે, જ્યાં ગુરુવારે સવારે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. કચ્છ કલેક્ટર આનંદ પટેલે નાગરિક ધર્મ નિભાવવા લોકોને અપીલ કરી છે. દરેક નાગરિકોને રાત્રે તમામ લાઈટ બંધ રાખીને “સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ”માં સહભાગી બનવા અને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. આ સાથે કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવવાની જરૂર ન હોવાનું અને સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ નહીં કરવા સૂચન કરાયું છે.
કચ્છમાં પાકિસ્તાનના વધુ બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. અબડાસાના સાંઘી નજીક તથા ભુજના નાગોર પાસે ડ્રોન તોડી પડાયા છે. અબડાસા તાલુકામાં 2, ભુજ તાલુકામાં 1 અને આદિપુરમાં 1 ડ્રોન તોડી પડાયું છે. ભુજ અને માધાપરમાં સતત સાઇરન ચાલુ છે. લોકો ફોન કરીને પરિવારજનોને ઘરે આવી જવા વાત કરે છે. ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભુજ અને માધાપર વચ્ચે લગભગ 6 કિમી જેટલું અંતર છે. ભુજ તાલુકાના બોર્ડરની નજીકના ખાવડા ખાતે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે લોકોને પોતાના ઘરો તરફ નીકળી જવા વિનંતી કરવામાં આવી રહી છે. નલિયા ગામમાં બજારો બંધ થઈ ગઈ છે. કોઈને ઘરની બહાર ન નીકળવા સુચના આપી છે. સ્થાનિકે કહ્યું કે, લોકડાઉન જેવી સ્થિતિ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી