સુરત કતારગામાં કચરાના ઢગલામાંથી મળી મૃત નવજાત બાળક
ચોકબજાર પોલીસે બાળકને ત્યજી દેનાર માતાને ઝડપી પાડી
નવજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરામાં ફેંકી દીધું
સુરતના કતારગામ વિસ્તારમાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળવાના કેસમાં ચોકબજાર પોલીસે બાળકને ત્યજી દેનાર માતાને ઝડપી પાડી હતી. સમાજમાં બદનામીના ડરથી મહિલાએ પોતાના જ નવજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરામાં ફેંકી દીધું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ગત 25 મેના રોજ કતારગામના અવધૂતનગર સોસાયટી નજીક કચરાના ઢગલામાંથી એક દિવસના નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડીયા ના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ એનાલિસિસના આધારે અહેકો ઘનશ્યામભાઈ, કિંજલકુમાર અને અપોકો જીગ્નેશકુમારએ એક મહિલાની ઓળખ કરી હતી. ત્યારબાદ મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે, મોટા સંતાનો હોવા છતાં ફરી ગર્ભ રહેતા સમાજમાં બદનામીના ડરથી તેણે ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. ચોકબજાર પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
