સોનગઢમાં પાણીની અછત અને ફ્લાયઓવર બ્રિજના પ્રશ્ને સ્થાનિકો આક્રમક

Featured Video Play Icon
Spread the love

સોનગઢમાં પાણીની અછત અને ફ્લાયઓવર બ્રિજના પ્રશ્ને સ્થાનિકો આક્રમક
સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા અને રેલવે ફાટક પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની લાંબા સમયની માંગણી સંતોષવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામીતની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક પુરુષો અને મહિલાઓ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં માજી પ્રમુખ યુસુફ ગામીતે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન ઓટા અને મલંગદેવ વિસ્તારના લોકોએ પાણીની સમસ્યા અંગે રજૂઆતો કરી હતી. વર્ષ ૨૦૧૭ માં ઓટા વિસ્તારથી જળ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં આજદિન સુધી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી નસીબ થયું નથી. ઉકાઈ ડેમમાંથી ઉમરપાડા, સુરત અને આહવા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોય, તો સોનગઢ તાલુકામાં જ આવતા ઓટા-મલંગદેવ વિસ્તારને કેમ વંચિત રાખવામાં આવે છે?” તેમણે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. યુસુફ ગામીતે વધુમાં જણાવ્યું કે, “અમે મામલતદારશ્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે અગાઉ આવેદનપત્ર આપ્યા બાદ અમે રેલ રોકી હતી. પરંતુ હવે સરકાર અમને રેલવેના પાટા ઉખાડવા માટે મજબૂર ન કરે. જો અમારી માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતા રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.”

પાણીની સમસ્યા ઉપરાંત, ચાંપાવાડી ફાટક નં. ૫૮-સી પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો મુદ્દો પણ ગરમાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા વર્ષો જૂની છે. અગાઉ યુવા કોંગ્રેસ દ્વારા આ અંગે ‘રેલ રોકો આંદોલન’ પણ કરવામાં આવ્યું હતું. સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા અગાઉ આ બ્રિજનો (DPR) મંજૂર થઈ ગયો હોવાનું જણાવાયું હતું, પરંતુ હજી સુધી બ્રિજ નિર્માણનું કોઈ કામ શરૂ થયું નથી. આ ફાટક બંધ રહેવાના કારણે દક્ષિણ વિસ્તારના લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. ૧૦૮ જેવી કટોકટીની એમ્બ્યુલન્સ સેવાઓ પણ અડધો-અડધો કલાક સુધી ફાટક પર ફસાઈ રહે છે, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે. આ રજૂઆત દરમિયાન વિસ્તારના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી પોતાની વ્યથા ઠાલવી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *