જૂનાગઢ મનપામાં ડીજીટલાઈઝેશનમાં કૌભાંડનો આક્ષેપ
મનપાના 18 મોડ્યુલનું ડીજીટલાઈઝેશન કરવાનું હતું
6.45 કરોડનો વગર ટેન્ડર થી કોન્ટ્રાક્ટ અપાયાનો આક્ષેપ
10 મહિનામાં કામ પુરૂં કરવાનું હતું પરંતુ કામ ન થયું
જૂનગઢ મનપાને ડિજિટલ કરવાના કામમાં કૌભાંડ થયાનો આક્ષેપ થયો છે. મનપાના 18 મોડ્યુલનું ડિજિટલાઈઝેશન કરવાનું હતું. તેના માટે જીઆઈપીએલને 6.45 કરોડનો વગર ટેન્ડરથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓના 18 જેટલા મોડ્યુલને ડિજિટલ કરવા બે વર્ષ અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રાઈવેટ પાર્ટીના ભાવો ખુબ ઉંચા હતા. તેથી મનપા દ્વારા આ કામ ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ એટલે કે જીઆઈપીએલને સોંપવામાં આવ્યું હતું. અંદાજે 6.45 કરોડના ખર્ચે આ મોડ્યુલ તૈયાર થવાનું હતું અને 10 મહિનામાં આ કામ પૂરું કરવાનું હતું પરંતુ આ વાતને એક વર્ષ જેવો સમય વીતી જતાં વિપક્ષે આ મામલે કૌભાંડ થયાનો આક્ષેપ કરીને તકેદારી આયોગમાં ફરીયાદ કરી છે. વિવાદ ત્યાં થયો કે કંપનીએ આ કામનું 42 લાખનું બિલ મુક્યું છે. જો કે વિપક્ષે આ અંગે માહિતી માગતા હાલ બિલ અટકાવી દેવાયું છે. વિપક્ષનો દાવો છે કે સરકારના જી.આર. મુજબ આ કંપની માત્ર કન્સલ્ટીંગ કરી શકે, કોઈ હાર્ડવેર કે સોફ્ટવેર વેચી ન શકે. આ ઉપરાંત કંપનીએ અત્યાર સુધીમાં એકપણ મોડ્યુલ તૈયાર કરીને આપ્યું નથી. કંપનીએ ખોટો જી.આર બતાવીને મનપા પાસેથી કામ મેળવી લીધું છે. ત્યારે આ કંપનીને બ્લેકલિસ્ટ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તકેદારી આયોગમાં વિપક્ષના નેતા લલિત પણસારાએ માગ કરી છે. આ કામ 10 મહિનામાં પૂરું કરવાનું હતું પરંતુ એક વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં કામ થયું નથી. તેથી વિપક્ષે તકેદારી આયોગમાં આ અંગે રજૂઆત પણ કરી છે. બીજી તરફ કમિશનરે વિપક્ષના તમામ આક્ષેપોને ફગાવ્યા છે,
ટેન્ડરમાં વધુ ભાવો આવ્યા હતા એટલે જીઆઈપીએલને કામ અપાયું છે, જીઆઈપીએલ સરકારી એજન્સી છે અને પ્રાઈવેટ પાર્ટી કરતાં અડધા ભાવમાં કામ કરવાની છે. આ અંગે મનપા કમિશનર તેજસ પરમારે વિપક્ષના તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, જે-તે સમયે ટેન્ડર થયા ત્યારે બમણાં ભાવ આવ્યા હતા અને તેથી સંપૂર્ણ સરકારી એજન્સી જીઆઈપીએલને કામ આપવામાં આવ્યું છે, કંપની દ્વારા કામગીરી ચાલી રહી છે અને કંપનીને કોઈપણ જાતનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. મનપાને આર્થિક ફાયદો થશે અને આમાં કોઈ કૌભાંડ થયું નથી.
