સુરતમાં 35 લાખની લુંટ કરી ભાગી છુટેલ લૂંટારુ ઝડપ્યા
અમદાવાદની છારા ગેંગના બેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા
પોલીસે લુંટમાં ગયેલ 19 લાખ કબ્જે કર્યા
સુરતમાં ભાગળ પાસેથી ફોર્ચ્યુનર કારમાં આંગઢીયા પેઢીમાંથી રૂપિયા લઈ નિકળેલા બે ઈસમોની કારનો કાચ તોડી તેમાંથી 35 લાખની લુંટ કરી ભાગી છુટેલી અમદાવાદની છારા ગેંગના બેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી લુંટમાં ગયેલ 19 લાખ કબ્જે કર્યા હતાં.
સુરતના રાંદેર વિસ્તારમાં 19 ફેબ્રુઆરીએ ધોળા દિવસે બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ લઈને નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ખાસ લૂંટના ઈરાદે જ અમદાવાદથી બાઈક પર સવાર થઈ સુરત આવી હતી અને રેકી કરીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ અજય ઉર્ફે મોટીયા દશરથ ભોગેકર અને નિલેષ ઉર્ફે લીલેશ ફતીયા ભોગેકર ખાસ આ લૂંટ માટે જ અમદાવાદના છારાનગરથી સુરત આવ્યા હતા. તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મળસ્કે જ પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ અને જ્યુપિટર મોપેડ લઈને સુરત પહોંચ્યા હતાં. સુરતની સરહદમાં પ્રવેશતા જ હાઈવે પાસે તેઓએ પકડાઈ જવાની બીકે બાઈકની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવીને નંબર બદલી નાખ્યા હતા, જેથી કોઈ તેમને ટ્રેક ન કરી શકે.
આરોપીઓએ પહેલાથી જ નક્કી કરેલા પ્લાન મુજબ મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ફરિયાદી શિવરતન પુનિયા ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢીમાંથી 35 લાખ ભરેલો સફેદ થેલો લઈને પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આરોપીઓએ તરત જ પોતાની બાઈક તેમની કાર પાછળ લગાવી દીધી હતી. રામનગર ચાર રસ્તાથી મોરા ભાગળ વચ્ચેના રોડ પર ટ્રાફિકનો લાભ લઈને આરોપીઓએ તક ઝડપી હતી. અને લુંટને અંજામ આપ્યો હતો. તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે અબ્રામા ગામથી વેલંજા તરફ જતા રોડ પર વોચ ગોઠવી મોપેડ પર જઈ રહેલા અજય અને નિલેષને પોલીસે આંતર્યા હતા. તેમની જડતી લેતા તેમની પાસેથી લૂંટના રોકડા 19,13,500 મળી આવ્યા હતા. પોલીસે રોકડ રકમ અને જ્યુપિટર મોપેડ જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગુનામાં કુલ 4 શખ્સો સામેલ હતા, જેમાંથી બે હજુ ફરાર છે.
