બારડોલીના બાલ્દા નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઈ,
એક ઝડપાયો, 4.27 લાખનો મુદ્દામાલ જપ્ત
બારડોલી: સુરત જિલ્લા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાંચ)ની ટીમે બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા બાલ્દા ગામની સીમમાં સાદડી-કડોદ રસ્તા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ઇકો કાર ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રૂ. 1.27 લાખથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ રૂ. 4.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જીજે 5 સીએન 8357 નંબરની એક ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આ ગાડી બેડકુવા-સાદડી ચોકડી થઈને કડોદ તરફ જવાની છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાલ્દા ગામની સીમમાં રજવાડ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની કાર આવતા જ પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. તલાશી લેતા કારમાંથી રૂ. 1,27,680ની કિંમતની 528 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 3 લાખની કિંમતની ઇકો કાર મળીને કુલ રૂ. 4,27,680નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે કાર ચાલક રાજુવન મોહનવન યોગી (ઉ.વ.33, હાલ રહે વ્યારા, મૂળ રહે નાંદવા ગામ, પારડી પંચાયત, તા. દેવગઢ, રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે પ્રવિણ ખટિક, પ્રકાશ ઉર્ફે પકો કાળિયો, અને પારસ યોગી નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…..