સુરતના સચીનમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
બુલેટ ટ્રેનના પોલ નજીકથી આઈ-20 કારમાં દારૂનો જથ્થો ઝડપાયો
સચીન પોલીસે એક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
સુરત શહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ સચીન પોલીસે સચીન-મોહિણી-નિયોલ રોડ પર બુલેટ ટ્રેનના પોલ નજીકથી આઈ-20 કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરતના સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સચીન-મોહિણી-નિયોલ રોડ પર બુલેટ ટ્રેનના પોલ પાસે સફેદ કલરની આઈ-20 કાર રોકીને તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 1800 દારૂની બોટલો અને 552 બિયરના ટીન મળી કુલ 2352 નંગનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ચીરાગ પ્રહલાદભાઈ પરમાર નામના યુવકની ધરપકડ કરી 4.62 લાખનો દારૂ અને 6 લાખની કાર તથા 5 હજારનો મોબાઈલ ફોન મળી 10.67 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
