સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત
મનપા આવાસમાં રાત્રીના સમયે અસામાજિક તત્વોએ આતંક
યુવાનો પર જીવલેણ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયા

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ વેસુ ખાતે આવેલ આંબેડકર નગર એકના મનપા આવાસમાં રાત્રીના સમયે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અને યુવાનો પર જીવલેણ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર-1 એસ.એમ.સી. આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગત 28 એપ્રિલની મધ્યરાત્રિએ બનેલી 12:30 વાગ્યાના અરસામાં 24 વર્ષીય શની ધર્માભાઈ ગૌસ્વામી અને તેનો 19 વર્ષીય ભાઈ બોબી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તે સમયે એસ.ડી. જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંક્યા સેંદાણે અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતની ટોળકી મોપેડ અને બાઇક પર હથિયારો સાથે ધસી આવી હતી. આ શખ્સો સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે કારણ વગર દાદાગીરી અને ઝઘડો કરી રહ્યા હતાં. વાતચીત દરમિયાન અચાનક મામલો બિચકતા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ સંતોષ જગદેવ અને રાહુલ બૈસાણે નામના યુવકોને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ હુમલાખોરોએ રિક્ષા પાસે ઊભેલા 19 વર્ષીય બોબીને નિશાન બનાવી છાતી, પગ અને પીઠના ભાગે આડેધડ ઘા માર્યા હતા. બોબીએ બચાવ માટે હાથ આગળ ધરતા હુમલાખોરે પૂરી તાકાતથી ચપ્પુ માર્યું હતું, જે તેની આંગળીની આરપાર નીકળીને ફસાઈ ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોતાના નાના ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈ શની તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. ત્યારે હુમલાખોરો સાથે આવેલા પ્રથમ નામના શખ્સે કુહાડી વડે શનીના પગના ભાગે જીવલેણ ઘા ઝીંક્યો હતો. આ હુમલામાં તરૂણ પાનપાટીલ, મયુર બાવિસ્કર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહીતે ઉર્ફે બાલો સહિતના અન્ય સાગરીતોએ પણ સાથે મળી મારામારી કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ વાહનો મૂકી ફરાર થઈ ગયા હતાં. ગંભીર રીતે ઘાયલ બોબીને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સર્જરી કરી ચપ્પુ કાઢવાની અને ઊંડા ઘા પર ટાંકા લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા આંબેડકર નગરના રહીશો મોટી સંખ્યામાં વેસુ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. હાલ તો વેસુ પોલીસે શની ગૌસ્વામીની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરવા, જીવલેણ ઈજા પહોંચાડવા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *