મહેસાણા ઉમતામાં ડેપ્યુટી સરપંચનો યુ-ટર્ન.
જયંતિ પ્રજાપતિ 24 કલાકમાં આપ છોડી ભાજપમાં જોડાયા.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ફરી પલટી મારી
મહેસાણા વિસનગર તાલુકાના ઉમતા ગામના ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ અંબારામભાઈ પ્રજાપતિ 24 કલાકમાં આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા છે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
મહેસાણા વિસનગર તાલુકાના ઉમતા ગામના ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ અંબારામભાઈ પ્રજાપતિ પ્રજાપતિએ 24 કલાકમાં યુ ટર્ન મારતા જણાવ્યું હતું કે તેઓ મહેસાણામાં એક સંબંધી સાથે કામ અર્થે ગયા હતા. ત્યાં તેમને અજાણતા જ આમ આદમી પાર્ટીની એક સભામાં લઈ જવામાં આવ્યા હતા. તેમને એ વાતની જાણ નહોતી કે તે ‘આપ’ની રાજકીય સભા હતી. તેમણે દાવો કર્યો કે તેમને છેતરીને અથવા વિશ્વાસમાં લઈને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી દેવામાંઆવ્યો હતો, જેનો રાજકીય રીતે ઉપયોગ કરવામાં આવ્યો. જયંતિભાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલા હતા અને ભવિષ્યમાં પણ ભાજપના સૈનિક તરીકે જ કાર્ય ચાલુ રાખશે. ચૂંટણીના સમયે બનેલી આ ઘટનાએ વિસનગર પંથકમાં અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જગાવી છે.
24 કલાકમાં પલટી માર્ટા ડેપ્યુટી સરપંચ જયંતિભાઈએ પોતાની ભૂલ સુધારતા અને ભાજપ પ્રત્યેની વફાદારી દર્શાવતા તાત્કાલિક ભાજપમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તેમણે ફરી એકવાર કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત વાપસી કરી. આ પ્રસંગે ભાજપના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
