આગામી પહેલી એપ્રિલથી દેશમાં વાહનોમાં વપરાતા સીએનજી અને ઘર વપરાશ માટેના PNGના ભાવમાં અંદાજિત કિલો દીઠ 10 થી 12 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. ફ્યુઅલના ભાવ નક્કી કરવા કિરીટ પરિખ પેનલની નિમણૂક કરવામાં આવી હતી જેણે સરકારને રિપોર્ટ આપ્યો છે તે રિપોર્ટ સરકારે સ્વીકારી લીધો હોવાનું મનાય રહ્યું છે. જે મુજબ બંને ફ્યુઅલના ભાવ ઘટે તો પહેલી એપ્રિલથી વપરાશકારોને મોટો ફાયદો થઈ શકે છે. ટૂંક સમયમાં આ વિશે સત્તાવાર જાહેરાત થઈ શકે છે
ગુજરાત રાજ્યમાં સીએનજી ફ્યુઅલથી ચાલતા વાહનોની સંખ્યા લગભગ 11 લાખથી વધુ અને પીએનજીના કનેક્શનની સંખ્યા 25 લાખ જેટલી છે. ગુજરાત ગેસ પાસે 18 લાખ ગ્રાહકો છે જ્યારે અદાણી ગેસના ગ્રાહકોની સંખ્યા અંદાજિત ત્રણ લાખ જેટલી છે. ઉપરાંત અન્ય કંપનીઓના પણ ગેસ કનેક્શન છે.
સરકારે કિરીટ પરિખ પેનલનો અહેવાલ સ્વીકારી લીધો હોવાનું માનવામાં આવે છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કિરીટ પરીખ પેનલની ભલામણો સ્વીકારાઈ જાય તો ગ્રાહકોને કિલો દીઠ 5 થી 10 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. દિલ્હીમાં CNG નો ભાવ 79.56 રૂપિયા પ્રતિ કિલો ચાલે જ્યારે ડોમેસ્ટિક PNG નો ભાવ 52.59 રૂપિયા પ્રતિ SCM છે. હાલમાં ડોમેસ્ટિક ગેસનો ભાવ 8.57 ડોલર પ્રતિ mmBtu છે જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 78.12 ડોલર પ્રતિ બેરલ ચાલે છે. પરિખ પેનલની ભલામણો સ્વીકારવામાં આવે તો ફર્ટિલાઈઝર્સ સહિતના તમામ સેક્ટરને ફાયદો થઈ શકે છે. ગેસના ભાવમાં જે ઘટાડો થાય તેનો લાભ ગ્રાહકોને આપવામાં આવે તે માટે સરકાર આગ્રહ કરશે.
કિરીટ પરીખ પેનલની ભલામણ સંપૂર્ણ સ્વીકારી લેવાશે તો ગ્રાહકોને સીએનજી અને પીએનજીના ભાવ ઘટવાનો લાભ તાત્કાલિક મળવા લાગશે.