માંડવીના કેવડીયામાં 2.26 કરોડના વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો
પકડાયેલા દારૂનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવ્યો
પોલીસ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
સુરત ડિવિઝન અંતર્ગત આવતા ચાર પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ૨ થી ૫ વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએથી પકડવામાં આવેલ અંદાજે રૂ. 2.26 કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો માંડવી તાલુકાના કેવડીયા ગામે નાશ કરવામાં આવ્યો હતો. કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ દ્વારા પકડાયેલા દારૂનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નાશ કરાયેલા કુલ 1,86,839 બોટલ વિદેશી દારૂમાં માંડવી, ઉમરપાડા, માંગરોળ અને ઝંખવાવ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ સામેલ હતો. જેમાં માંડવી પોલીસ મથકનો જાન્યુઆરી 2021 થી એપ્રિલ 2025 સુધીનો રૂ.1,40,65,929 ની કિંમતનો 1,13,185 બોટલ, ઉમરપાડા પોલીસ સ્ટેશનનો જાન્યુઆરી 2022 થી એપ્રિલ 2025 સુધીનો રૂ. 47,13,305 ની કિંમતનો 38,111 બોટલ, માંગરોળ પોલીસ સ્ટેશનનો જાન્યુઆરી 2022 થી એપ્રિલ 2025 સુધીનો રૂ. 24,03,759 ની કિંમતનો 19,106 બોટલ અને ઝંખવાવ પોલીસ સ્ટેશનનો મે 2023 થી એપ્રિલ 2025 સુધીનો રૂ. 14,23,020 ની કિંમતનો 16,437 બોટલ વિદેશી દારૂનો જથ્થો હતો. રૂ. 2,26,06,013 ની કુલ કિંમતના આ દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી દરમિયાન માંડવીના પ્રાંત અધિકારી કૌશિક જાધવ, મામલતદાર જે.આર. મિસ્ત્રી, નશાબંધી અધિકારી, સુરત ડિવિઝનના ડી.વાય.એસ.પી. બી.કે. વનાર, માંડવી પી.આઈ. એ.આર. ચૌહાણ તેમજ માંગરોળ, ઉમરપાડા અને ઝંખવાવ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….હમીરસિંહ ચૌહાણ માંડવી.