સુરત, કેશોદ અને ગાંધીનગરમાંથી 1 કરોડનું નકલી કોસ્મેટિક ઝડપાયું
ઓનલાઇન પ્લેટફોર્મ મીશો પર ઓનલાઇન વેચાણ,
લિફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ સહિત અનેક નકલી પ્રોડક્ટ્સ વેચાતી હતી
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગર, કેશોદ અને સુરતમાંથી 1 કરોડનું નકલી કોસ્મેટિક ઝડપી પાડ્યું છે. કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરી તેમાં ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત ખાતે કોસ્મેટિકના કોઇપણ લાયસન્સ વગર અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્સનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ પર મનફાવે તેવા આકર્ષક, ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી પરફોર્મન્સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લિફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટની ઇન્સ્ટાગ્રામ પર મોટાપાયે જાહેરાતો કરી Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું ગેરકાયદે કૃત્ય ચાલતું હતું.આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ સુરતના રાજેશભાઇ ડાહ્યાભાઇ લાઠીયાના રહેણાંકના મકાન સુરત ખાતે દરોડો પાડતાં પૅકિંગ મટીરીયલ તેમજ ડુપ્લીકેટ પ્રોડક્ટના ઓનલાઇનના બોક્સ વિપુલ માત્રામાં મળી આવ્યા હતા. જૂનાગઢની ટીમે કુલદીપ પટોળીયા, કેશોદના રહેઠાણ મકાનમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ કોસ્મેટિક બનાવટો મળેલ જે ઓનલાઇન Meesho પ્લેટફોર્મ પર ભાગીદારીથી વેચાણ કરતાં ઝડપી પાડી હતી. વધુમાં, તેઓના ત્યાંથી બનાવટી કોસ્મેટિકના 14 નમુના પૃથ્થકરણ અર્થે મોકલી આપી અને આશરે રૂ. 55 લાખનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો.
સુરતની મે. WRIXTY AYURVEDA ના માલિક કૌશિક ધર્મેશભાઇ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન વિપુલ માત્રામાં બનાવટી કોસ્મેટિક વેચાણની માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળી હતી. જેના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમોએ સુરત ખાતે દરોડો પાડી ખોટા લાયસન્સ નંબર છાપી બનાવટી કોસ્મેટિકનુ વેચાણ કરતાં ઇસમોને ઝડપી પાડ્યાં હતા. આ ઇસમોને પ્રોડક્ટનાં લેબલ અને તૈયાર પ્રોડક્ટ વગેરે મુંબઇના ક્રાફેટ માર્કેટ અને મુસાફિરખાના જેવા માર્કેટના એજન્ટો પાસેથી લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતાં હતા, જેમને આ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુમાં, વેચાણ અર્થે કુલ 5 નમૂના પૃથ્થકરણ કરી અને આશરે રૂ. 15 લાખનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી