સુરતમાં રાજ્ય અગ્ર સચિવ સિવિલની મુલાકાતે
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા સુરત સિવિલનો રાઉન્ડ લીધો,
અધિકારી અને ડોક્ટર સહિતનાને ખખડાવી નાખ્યા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદમાં આવતા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી જ્યાં ટીમને ઠેર ઠેર ધાંધિયા જોવા મળ્યા હતાં. તો દર્દીઓ જાતે જ વ્હિલ ચેર ખેંચતા નજરે પડતા સિવિલના તબીબો અને અધિકારીઓને બરાબર ખખડાવાયા હતાં.
સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જેથી સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સિવિલ હોસ્પિટલન અધિકારી અને ડોક્ટર સહિતનાને ખખડાવી નાખ્યા હતાં. રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂંકની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા. અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સજદે અને પીઆઈયુ ચીફ પી એમ ચૌધરી પણ આવ્યા હતાં. રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી સુપ્રિટેન્ડેન્ટ, ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના એચઓડીને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા. જોકે અગ્ર સચિવે આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડીંગ, સ્ટેમ્સેલ બિલ્ડીંગ, જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું હતું. સ્ટેમસેલ બિલ્ડીંગ અને કિડની બિલ્ડીંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, ડીન સહિતના સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બેઠક બાદ તમામ નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા છે. આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતનાને સાંભળવાનું થાય તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.