ભરૂચ આમોદના રાણીપુરા ગામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
માટી અને રેતી ભરેલા ઓવરલોડ વાહનો રોકી કરાયું પ્રદર્શન
ઓવરલોડ વાહનોના કારણે રસ્તા અને નાળા તૂટ્યા હોવાના આક્ષેપ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમોદના રાણીપુરા ગામે રેતી અને માટી ભરેલા ઓવરલોડ વાહનોને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ અને નાળા તૂટી જવાને કારણે ત્રસ્ત બનેલા ગ્રામજનોએ આજે રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, રાણીપુરા ગામે છેલ્લા 5-7 દિવસથી મોટા પાયે માટી ખોદકામનું કામ ચાલી રહ્યું છે. અહીંથી દરરોજ 40 થી 50 ટન વજન ધરાવતી રેતી અને માટી ભરેલી ટ્રકો પસાર થઈ રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રસ્તાની ક્ષમતા માત્ર 12 થી 15 ટન જેટલી જ છે, તેમ છતાં ક્ષમતા કરતા અનેકગણું વજન ભરીને આ ઓવરલોડ વાહનો પસાર થાય છે, જેના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બન્યા છે અને નાળા પણ તૂટી ગયા છે. સ્થાનિક યુવાનો અને ગ્રામજનોએ જણાવ્યું કે, જ્યારે તેઓએ કોન્ટ્રાક્ટર પાસે આ કામગીરી અંગેની પરવાનગી માંગી, ત્યારે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો બતાવવામાં આવ્યા ન હતા. વળી, ગ્રામ પંચાયતની પણ કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
હાલમાં ગ્રામજનોએ આ ઓવરલોડ વાહનોને અટકાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમની માંગ છે કે મામલતદાર અને જવાબદાર તંત્ર આ ગેરકાયદે લાગતા પરિવહન અને ખોદકામની તપાસ કરે, તેમજ નુકસાન પામેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બની શકે છે….કૌશીક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
