વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને તોડકાંડમાં ભાવનગર પોલીસે 21 એપ્રિલ 2023ના રોજ એરેસ્ટ કરી 7 દિવસના રીમાન્ડ મેળવેલ છે. તેમના સાળા કાનભાની પણ ધરપકડ કરેલ છે અને તેમની સામે આરોપ છે કે ડમી પરીક્ષાર્થી કાંડ મામલે પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવેના નામ બાકાત રાખવા માટે 1 કરોડ રૂપિયાની ખંડણી વસૂલ કરી હતી જે મામલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 386/ 388/ 120B હેઠળ યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો છે. યુવરાજસિંહે 5 એપ્રિલ 2023ના રોજ પ્રેસ કૉન્ફરન્સ કરીને રાજ્યમાં સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક તથા બોર્ડની પરીક્ષાઓ માટે ‘મસમોટી’ રકમ વસૂલી ‘ડમી પરીક્ષાર્થી’ પૂરા પડાતા હોવાનો ધડાકો કર્યો હતો.
ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ‘ડમીકાંડ’ સબબ FIR નોંધાઈ હતી અને ચાર આરોપીઓને અટક કરવામાં આવેલ. ભાવનગરના રહેવાસી શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પી.કે.દવે અને બલદેવ રાઠોડ 2012 થી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તથા ધોરણ : 10-12 બોર્ડની પરીક્ષાઓમાં અનેક વિદ્યાર્થીઓ માટે ડમી પરીક્ષાર્થીની સેવા આપી ચૂક્યા છે. તેમજ ઘણાંને આ ડમી પ્રક્રિયાથી નોકરીઓ પણ મળી ચૂકી છે. ડમી સેવા માટે 5 થી 10 લાખ વસૂલ કરવામાં આવતા હતા. ડમી વિદ્યાર્થીને 25,000 નો પુરસ્કાર અપાતો હતો.
પ્રશ્નો :
1, માની લઈએ કે યુવરાજસિંહે 1 કરોડનો તોડ કર્યો છે પરંતુ 1 કરોડની રકમ આપનાર પહેલા આરોપી બને કે ફરિયાદી ? – સરકાર કેમ ફરિયાદી બની ?
2, જેની પાસેથી યુવરાજસિંહે તોડ કર્યો કે ખંડણી ઉઘરાવી તેમની ફરિયાદ લેવાને બદલે ‘સરકાર તરફે’ પોલીસે યુવરાજસિંહ સામે FIR કેમ નોંધી હશે ?
શું યુવરાજસિંહ સરકારના કૌભાંડો જાહેર કરતા હતા એટલે સરકારની સૂચનાથી પોલીસે સરકાર તરફે FIR નોંધી હશે ?
3, જયારે પૈસા આપનાર જ ફરિયાદી બન્યા નથી ત્યારે યુવરાજસિંહ સામેનો ગુનો સાબિત કઈ રીતે થશે ?
4, પોલીસ અને સરકારની શુભનિષ્ઠા હોત તો ચાર આરોપીઓ સિવાયના ડમીકાંડના અનેક લાભાર્થીઓને પ્રથમ અટક કરવાની જરુર ન હતી ?
ડમી પરીક્ષાર્થી દ્વારા સરકારી નોકરી મેળવનારને સૌ પ્રથમ અટક કરવાની જરુર ન હતી ?
5, ડમીકાંડ ન થયો હોત તો તોડકાંડ થયો હોત ખરો ?
6, હાર્દિક પટેલની જેમ જો યુવરાજસિંહ સત્તાપક્ષમાં જોડાઈ જાય તો હાર્દિકના ગુનાની જેમ યુવરાજનો તોડકાંડનો ગુનો સરકાર પાછો ખેંચી લેશે ?
7, શું ડમી કાંડમાં સરકારની છાપ ખરડાવાના ડરથી તોડકાંડ ચગાવવાં આવી રહ્યું છે ?
8, શું ‘ડમીકાંડ’ને દબાવી દેવા સરકાર ‘તોડકાંડ’માં વધુ રસ લે છે ?