સુરેન્દ્રનગર સાયલાના ઈશ્વરીયા ગામે જૂની અદાવતમાં હત્યા.
રણછોડભાઈ ધાંધલની જૂની અદાવતમાં હત્યા
12 મહિના પહેલા આરોપી પક્ષના લોકો પર હુમલો કરાયો હતો
સાયલામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરી દેવાયાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. બે ભાઈઓની કાર સાથે આરોપીઓએ કાર અથડાવીને સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
સાયલા તાલુકાના ઇશ્વરીયા ગામના રણછોડ ઉર્ફે રસિક ભાઈ ઘાંઘર તેના ભાઈ અરજણ સાથે આયા ગામથી પોતાના ગામ ઈશ્વરીયા તરફ ક્રેટા કારમાં જતા હતા. દરમિયાન જૂની અદાવતને લઈ મરડિયા-સાયલા માર્ગ પર બોલેરો કારમાં આવેલા છ શખ્સોએ ક્રેટા કાર સાથે પોતાની કાર અઠડાવી હતી. ક્રેટા કારમાં સવાર રણછોડ ઘાંઘરને જીવલેણ માર માર્યો હતો. જ્યારે તેની સાથે રહેલ અરજણ ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે લીમડી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, સામસામે વાહન અથડાવી અને માર મારી રણછોડભાઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હાલ પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસનો શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક એપીએમસીના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ગેલાભાઈ ઘાંઘરનો ભત્રીજો છે. મૃતકના પક્ષના લોકો દ્વારા આશરે 12 મહિના પહેલા આરોપી પક્ષના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો
ઇજાગ્રસ્ત રણછોડભાઈને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સાયલાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ રણછોડને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા લીમડી ડીવાયએસપી વી એમ રબારી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. બનાવવામાં મૃતક રણછોડભાઈના ભાઈ અરજણભાઈએ સાયલા હોસ્પિટલમાં દાખલ થયેલી એમએલસીમાં વિજય કલાભાઈ રૂદાતલા, ઉઘરેજા જાદવ ખોડાભાઈ, કાળુભાઈ બચુભાઈ રૂદાતલા, ગોવિંદભાઈ કલાભાઈ રૂદાતલા, ગોપાલભાઈ ગેલાભાઈ રૂદાતલા અને કેશુ સામતભાઈ રૂદાતલાનું નામ આપ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી