સુરત એલસીબીની ટીમે લૂંટ અને ખંડણીના ગુનાનો ભેદ ઉકેલ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત એલસીબીની ટીમે લૂંટ અને ખંડણીના ગુનાનો ભેદ ઉકેલ્યો
પોલીસે આ ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી
પોલીસે આરોપીઓ પાસથી લાખનો મુદ્દામાલ કબજે કર્યો

બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં ગત 5 સપ્ટેમ્બરના રોજ થયેલી લૂંટ અને ખંડણીના ગુનાનો ભેદ સુરત જિલ્લા એલસીબીની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ નવસારીના નવીન કાર્તિકએયન તગવેલ (ઉંમર 21) અને રૂપણ ચક્રવર્તી ગોવિંદરાજ નામના યુવકો શ્રી કૃષ્ણા ફાઇનાન્સ કંપનીના પૈસાની ઉઘરાણી કરીને મોટરસાયકલ પર પરત જઈ રહ્યા હતા. તે જ સમયે, તાજપોર ગામની સીમમાં નંબર વગરની મોટરસાયકલ અને મોપેડ પર આવેલા છ અજાણ્યા શખ્સોએ તેમનું અપહરણ કરી લીધું હતું. આ લોકોએ યુવકોને ચપ્પુ બતાવીને રૂ. 24,500ની લૂંટ કરી હતી અને ફાઇનાન્સ કંપનીના મેનેજર પાસેથી રૂ. 1 લાખની ખંડણી પણ માંગી હતી. આ ઘટના અંગે 8 સપ્ટેમ્બરના રોજ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લા એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આ ગુનો સમીર ઉર્ફે સેમ અરવિંદ ગામિત અને સાગર વસાવાએ પોતાના સાથીદારો સાથે મળીને કર્યો છે અને તેઓ હાલમાં બમરોલીથી આગળ ગોતાસા ગામ તરફ જતા રસ્તા પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠા છે. ​આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડી પાંચ આરોપીઓને ત્રણ વાહનો સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સમીર ઉર્ફે સેમ અરવિંદભાઈ ગામિત, રાજ ઉર્ફે રાજલો સુનીલ રાજભર, તનીશ ઉર્ફે તનો જલસિંગભાઈ પાડવી, દેવ ઉર્ફે દેવલો ભગવતીભાઈ રાઠોડ અને સાગર દીપકભાઈ વસાવાનો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સાહિલ સમીર પઠાણ (રહે સુરત) હજુ પણ વોન્ટેડ છે. ​પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા રૂ. 15,170 રોકડા, ત્રણ મોટરસાયકલ અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *