જામનગરમાં ગુલાબનગર ડમ્પયાર્ડમાં પુરવઠા વિભાગના દરોડા
16 લાખથી વધુ ગેરકાયદે અનાજનો જથ્થો પકડી પાડ્યો
ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો
જામનગરની ભાગોળે ગુલાબનગરના ડમ્પ યાર્ડ પાસે જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી ઘંઉ, બાજરી, ચણા સહિતના અનાજનો જથ્થો ઉપરાંત વાહનો સહિત રૂા. 16.51 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. ઉકત જથ્થો છુટક ફેરીયાઓ મારફતે ખરીદી કરી ગેરકાયદે સંગ્રહિત કરાયો હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવતા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર-જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કડાયેલા અનાજના જથ્થામાં 26,250 કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ. 10,23,750 ઉપરાંત 13,990 કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ.3,77,730, જાયરે 390 કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.10,530 અને 300 કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ.16,500નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી ચાર રીક્ષા, એક મોટરસાઇકલ અને પાંચ વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આમ તંત્ર દ્વારા કુલ રૂા. 16,51,510નો મુદામાલ સ્થગિત કરવામાં આવ્યો છે.તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યુ છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી