સુરતના ડિંડોલીમાં પુત્રના મિત્રોએ જ આધેડની હત્યા કરી
પોલીસે ચારમાંથી બે હત્યારાઓને ઝડપી પાડ્યા
સુરતમાં હત્યા પ્રયાસ અને હત્યાના ગુનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ફરી સુરતના છેવાડાના કહેવાતા ડિંડોલી વિસ્તામાં હત્યાના ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ડિંડોલીમાં પુત્રના મિત્રોએ જ ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. હાલ પોલીસે ચારમાંથી બે હત્યારાઓને ઝડપી પાડ્યા છે.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે નજીવી બાબતે પણ હત્યાની ઘટનાઓને અસામાજિક તત્વો અંજામ આપી રહ્યા છે. ત્યારે ડિંડોલીમાં પુત્રના મિત્રોએ જ આધેડની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. વાત એમ છે કે નવાગામ ડિંડોલી ખાતે સબ્જી માર્કેટ વિસ્તારમાં અંબિકા સોસાયટીમાં રહેતા રામ બચ્ચન મોર્યા અને તેના પુત્ર અભિષેક મોર્યા પર જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં રામ બચ્ચન મોર્યાનુ ટુંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતું. તો પોલીસને ઘટનાની જાણ થતા જ સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા મૃતક રામ બચ્ચન મોર્યાના પુત્ર અભિષેકના મિત્ર કુંદન ચૌધરી, છોટુ ઉર્ફે રાજા સાહુ સહિત ચારએ હુમલો કર્યો હોવાનુ સામે આવ્યુ હતું. તો રામ બચ્ચનએ બે દિવસ પહેલા પુત્ર અભિષેકને કુંદ અને છોટુ સહિતનાઓથી દુર રહેવા કહ્યુ હોય અને તેને લઈ કુંદનને પણ રામ બચ્ચને ઠપકો આપતા હુમલો કરાયો હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. તો હુમલામાં રામ બચ્ચન મોર્યાનુ મોત નિપજ્યુ હતુ જ્યારે અભિષેકને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. હાલ પોલીસે ચારમાંથી બે હત્યારાઓ કુંદન ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુની ધરપકડ કરી છે જ્યારે ભાગી છુટેલા બેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.