પાંડેસરાની એકતા મિલમાં સગીર વયની દીકરીનો હાથ કપાયો
કંપની અને સુહાની હોસ્પિટલના ડોક્ટરે પોલીસને જાણ સુદ્ધાં ન કરી
મોટી દુર્ઘટના બની હોવા છતા કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનુ ચર્ચા
બાળાને વળતર અને ન્યાય મળે તેવી માંગ સાથે સંગઠનોએ પણ વિરોધ કર્યો
સુરતના પાંડેસરા ખાતે આવેલી એકતા મિલમાં કામ કરતી આદિવાસી 16 વર્ષીય દિકરી દુર્ઘટનાનો ભોગ બની હતી જે દિકરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેણીનો હાથ કાપી નાંખવો પડ્યો હોય જેને લઈ વળતર અને ન્યાયની માંગ કરાઈ હતી.
સુરતના પાંડેસરા ખાતે આવેલી એકતા મિલમાં 20 મેના રોજ એક ગંભીર ઘટના બની હતી. જેમાં મુળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના દગવાન ગામની અને હાલ પાંડેસરા ખાતે આવેલ મુક્તિ નગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 16 વર્ષીય આદિવાસી દિકરી શિખા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. છેલ્લા બે વર્ષથી મિલમાં કામ કરતી 16 વર્ષિય દિકરી શિખા ગંભીર રીતે ઘાયલ થતા તેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. જ્યાં ખાનગી હોસ્પિટલમાં દિકરીનો હાથ કાપી નાંખવો પડ્યો હતો. તો મિલ દ્વારા કોઈ જવાબદારી ન લેવાતા દિકરીના પરિવારના સભ્યો અને સામાજિક સંગઠનોમાં રોષ ફેલાયો હતો. હાલ તો આટલી મોટી દુર્ઘટના બની હોવા છતા કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનુ ચર્ચા જોવા મળી રહી છે ત્યારે આદિવાસી બાળાને વળતર અને ન્યાય મળે તેવી માંગ સાથે સંગઠનોએ પણ વિરોધ કર્યો હતો. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આ બાળાને ન્યાય મળશે કે કેમ…