રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો
પરીક્ષામાં હાજર 6 વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરાયા,
વિદ્યાર્થી નેતાની આંદોલનની ચીમકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં પરીક્ષામાં હાજર વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરવામાં આવ્યા છે. આ પ્રકારના 6 વિદ્યાર્થીના પુરાવા સાથેની રજૂઆત વિદ્યાર્થીનેતા દ્વારા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કુલપતિ સહિતનાને કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 6ની રેગ્યુલર પરીક્ષા આપતો વિદ્યાર્થીઓ અભિષેક ચાવડા, બીએ સેમેસ્ટર 3 ની એક્સટર્નલ વિદ્યાર્થિની અસ્મિતા ઢોલરીયા કે જેને નવેમ્બર 2024માં પરીક્ષા આપેલી છે. એમ. એ. સેમેસ્ટર 3ની પરીક્ષા આપતી એક્સટર્નલ વિદ્યાર્થિની દેવયાની પરમાર, જેમને નવેમ્બર, 2024માં પરીક્ષા આપી હતી. આ ઉપરાંત એપ્રિલ 2025માં એમએસસી નર્સિંગ બીજા વર્ષમાં પરીક્ષા આપતી મૈત્રા માધવીબેન, ફેબ્રુઆરી 2025માં બીએડ સેમેસ્ટર 2ની પરીક્ષા આપતો વિદ્યાર્થી અશોક ચાવડા, જાન્યુઆરી 2024માં બીએ સેમેસ્ટર 1 એક્સટર્નલની પરીક્ષા આપતી વિદ્યાર્થિની જીજ્ઞાસા સરવૈયાએ પરીક્ષા આપી હતી અને હાજર પણ રહ્યા હતા છતાં તેમને ગેરહાજર બતાવી નાપાસ કરાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ભૂલના કારણે નાપાસ થયા છે તેઓના પરિણામમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માગ કરાઈ છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક દ્વારા આ બાબતે તપાસ કરી વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો કરવાની ખાતરી આપવામાં આવી છે.
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહે જણાવ્યું હતું કે, હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવા બાબતની રજૂઆત આવી છે. આ બાબતે તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો કરવામાં આવશે. 20 થી વધુ છાત્રોમાં આ પ્રકારની ભૂલ થઈ છે. મહત્વની વાત એ છે કે, અનેક છાત્રો આ બેદરકારીને લઈને ભોગ બન્યા છે. રીએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ પણ આવ્યું નથી. પરીક્ષા વિભાગ વારંવાર છબરડા થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની બેદરકારી છતાં અનેક છાત્રોના પરિણામો અટકી ગયા છે. તેમના દ્વારા છ જેટલા વિદ્યાર્થીઓના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે જેઓ પરીક્ષામાં હાજર હોવા છતાં ગેરહાજર બતાવવામાં આવેલા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી