મનરેગા કૌભાંડમાં હીરા જોટવા બાદ બે એજન્સીના માલિકો પણ જેલભેગા
પીયૂષ નુકાણી અને જોધા સભાડની ધરપકડ,
ચૈતર વસાવાએ કહ્યું, મનરેગાના નાણાં લંડનમાં રોક્યાં
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાનાં 430 જેટલાં કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા, તેના પુત્ર અને હાંસોટ ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારીની ધરપકડ બાદ આજે જલારામ એન્ટરપ્રાઇઝના પીયૂષ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચ ખાતે ગ્રાઉન્ડ લેવલ પર આખા કૌભાંડનું સંચાલન કરનાર સરમન સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. આમ, આ કૌભાંડમાં અત્યારસુધી કૂલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાનાં કૌભાંડ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. તેમણે 2500 કરોડનું કૌભાંડ થયું હોવાના અને નાણાં લંડનની કંપનીઓમાં રોકાણ કર્યાં હોવાના આક્ષેપ કર્યા છે અને જો સંતોષકારક તપાસ નહીં થાય તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી આપી છે. ભરૂચનાં વિવિધ ગામડાંમાં મનરેગા યોજનામાં શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝે માલસામાન આપ્યા વગર ખોટાં બિલ પાસ કરાવીને રૂપિયા ચાઉં કર્યાનો ખુલાસો કર્યો હતો. એ બાદ ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી અને ત્યાર બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનરેગાકૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસે ભાઇ-ભાઇ બનીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અમે એક મહિના અગાઉ પ્રેસ-કોન્ફરન્સ કરીને પુરાવા જાહેર કર્યા હતા કે માત્ર બચુ ખાબડ જ નહીં, કોંગ્રેસના હીરા જોટવા પણ આમાં માસ્ટમાઇન્ડ છે. હીરા જોટવા વર્ષ 2017 – 2018 થી લઇને વર્ષ 2023 – 2024 સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં તેમની જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીને અહીં મટીરિટલ પૂરું પાડવા માટે બચુ ખાબડના ઇશારે નક્કી કરવામાં આવ્યું. આ એજન્સીઓએ એકપણ પંચાયતમાં એકપણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયા નાખ્યા વગર કોઇપણ જાતની રોયલ્ટી-જીએસટી ભર્યા વગર પોતાના ગામ સુપાસીમાં બેસીને કરોડો રૂપિયાનાં બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા ખેરવી લીધા. આ કરોડો રૂપિયાનાં કૌભાંડોમાં અહીંના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ જોડાયેલા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાનાં 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યાર બાદ ભરૂચ SP મયૂર ચાવડાએ સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. સીટની ટીમે ત્રણેય તાલુકાનાં ગામડાંની મુલાકાત લીધી હતી અને નિવેદનો લીધાં હતાં. SIT ની ટીમે ત્રણેય તાલુકાના શ્રમિકો અને કર્મચારીઓનાં નિવેદનો લીધાં બાદ જલારામ એન્ટરપ્રાઇઝના પીયૂષ રતિલાલ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારણ સભાડના નામજોગ તથા તપાસમાં નીકળે એ સરકારી અધિકારી, કર્મચારી તથા આઉટસોર્સ આધારિત કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. બંને એજન્સીએ 20મી જાન્યુઆરી 2023થી 30 મે 2025 દરમિયાન કરેલાં કામોમાં આ ગોબાચારી કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી