માંડવી : ઝાબડી ખાડીમાં મોપેડ સવારને લોકોએ તણાતા બચાવ્યો
હળપતિ સમાજના યુવકોએ સુરતના યુવાનનો જીવ બચાવ્યો
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાબૌધાન ઝાબડી ખાડીમાં સુરતના મોપેડ સવારને લોકોએ તણાતા બચાવ્યો.
માંડવી તાલુકાના બૌધાન ગામથી નોગામા તરફ જતી ઝાબડી ખાડી, જે બૌધાન હાઈસ્કૂલની પાછળ આવેલી છે, તે હાલમાં ભારે વરસાદને કારણે છલકાઈ રહી છે. પુલ પરથી ધસમસતું પાણી જતું હોવા છતાં, સુરતથી આવેલો એક અજાણ્યો યુવક પોતાનું ઇલેક્ટ્રીક સ્કૂટર લઈને પાણીના પ્રવાહમાં ઘૂસી ગયો હતો. આ યુવકને પાણીના પ્રવાહનો અંદાજ ન હોવાથી તેનું સ્કૂટર પાણીમાં ફસાઈ ગયું હતું. સદનસીબે, આ જ સમયે હળપતિ સમાજના કેટલાક યુવાનો ત્યાં ખાડીની સ્થિતિ જોવા માટે હાજર હતા. તેમણે યુવકને મુશ્કેલીમાં જોયો અને તરત જ તેને મદદ કરવા દોડી ગયા હતા. આ યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને પહેલા યુવકને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢ્યો અને પછી સ્કૂટર પણ બહાર કાઢી આપ્યું હતું. યુવકોએ સુરતના યુવાનનો જીવ બચાવ્યો હતો.
