લીંબડી એસ.ટી. ડેપો બન્યું ‘રોમિયો’ અને ગેરકાયદે પાર્કિંગનો અડ્ડો

Featured Video Play Icon
Spread the love

લીંબડી એસ.ટી. ડેપો બન્યું ‘રોમિયો’ અને ગેરકાયદે પાર્કિંગનો અડ્ડો
અપડાઉન કરતી દીકરીઓ અસુરક્ષિત!
તંત્ર કોઈ મોટી અનિચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે ?

લીંબડી એસ.ટી. ડેપો બન્યું ‘રોમિયો’ અને ગેરકાયદે પાર્કિંગનો અડ્ડો અને અપડાઉન કરતી દીકરીઓ અસુરક્ષિત! ત્યારે તંત્ર કોઈ મોટી અનિચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? સવારે, બપોરે અને સાંજે લુખ્ખા તત્વોનો બેફામ આતંક;

સ્થાનિક એસ.ટી. ડેપો હાલ મુસાફરોની સુવિધા માટે ઓછું અને લુખ્ખા તત્વોની ‘રોમીઓગીરી’ તેમજ ગેરકાયદેસર વાહન પાર્કિંગ માટે વધુ પ્રખ્યાત બન્યું હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. લીંબડી બસ સ્ટેશનની અંદર ચોક્કસ સમયે રોમિયો તત્વો દ્વારા બેફામ બાઈકો દોડાવીને તરખાટ મચાવવામાં આવી રહ્યો છે, જેના કારણે મુસાફરો, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, બસ સ્ટેન્ડની અંદર સવારે 7:00 વાગ્યા પછી, બપોરે 12:00 વાગ્યા પછી અને સાંજે 5:00 વાગ્યા પછી (જ્યારે શાળાઓ અને કોલેજોનો સમય હોય છે) ત્યારે આવા આવારા તત્વો બેફામ બની જાય છે. બસ સ્ટેન્ડની અંદર જ ધૂમ સ્ટાઇલે બાઈકો દોડાવવી અને રોમીઓગીરી કરવી એ અહીં રોજનો ક્રમ બની ગયો છે. આ રૂટ પર નિયમિત અપડાઉન કરતી દીકરીઓ ભારે માનસિક ક્ષોભ અને ડરનો સામનો કરી રહી છે. બદનામી કે ડરના માર્યા દીકરીઓ કશું કહી શકતી નથી અને આ ત્રાસ સહન કરવા મજબૂર બની છે. સ્થાનિક લોકો પણ આવા અસામાજિક તત્વો સામે ફરિયાદ કરતા ડર અનુભવી રહ્યા છે. તેમજ લીંબડી એસ.ટી. ડેપોની વ્યવસ્થા એટલી હદે કથળી છે કે આખું બસ સ્ટેશન જાણે ‘નો-પાર્કિંગ ઝોન’ હોવા છતાં ‘ઓપન પાર્કિંગ ઝોન’ બની ગયું છે. જ્યાં જુઓ ત્યાં આડેધડ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે, જેના કારણે ડેપોમાં આવતી એસ.ટી. બસોના ચાલકોને બસ વળાંક લેવામાં અને પાર્ક કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્ર આળસ મરોડી ક્યારે જાગશે? કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં જ એસ.ટી. ડેપો પ્રશાસન અને સ્થાનિક પોલીસ તંત્રએ આ પ્રશ્નને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે. ડેપોની અંદર બિનઅધિકૃત વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. દીકરીઓની સુરક્ષા માટે પીક અવર્સ (ટ્રાફિકના સમયે) પોલીસ વેન અથવા ‘શી ટીમ’ નું પેટ્રોલિંગ ગોઠવવામાં આવે.જો સમય રહેતા આ રોમિયો તત્વો અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક જનતા હવે આ બાબતે કડક પગલાંની અપેક્ષા રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *