ભરૂચ વાગરામાં જ્વેલર્સ લૂંટનો આરોપી ઝડપાયો
ગેમિંગ-સટ્ટામાં 10 લાખ હારેલા આરોપીએ 3.65 લાખની લૂંટ કરી,
પોલીસે 24 કલાકમાં આરોપીને પકડ્યો
ભરૂચના વાગરા ટાઉનમાં ઓમ જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે. આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિને પોલીસે ઝડપી પાડ્યો છે
ભરૂચના વાગરા ટાઉનમાં ઓમ જ્વેલર્સમાં ગત તા.19 મે ના રોજ બપોરે 12:51 કલાકે આરોપી દાગીના ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશ્યો હતો. 1:13 વાગ્યે તેણે દુકાનદારના ચહેરા પર મીઠું અને મરચાની ભૂકી છાંટી હતી. ત્યારબાદ ત્રણ ઈન્ડોઇટાલિયન ડિઝાઈનની સોનાની ચેઈન, બે મશીન ચેઈન અને એક સોનાનો સેટ મળી કુલ રૂ.3.65 લાખની લૂંટ કરી મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હતો. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશથી નાયબ પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફુલતરીયાની આગેવાનીમાં ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના વ્યસનમાં સપડાયો હતો. તે લગભગ દસ લાખ રૂપિયા હારી ગયો હતો. આર્થિક તંગીના કારણે તેણે લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લૂંટનો સમગ્ર મુદ્દામાલ અને મોટરસાયકલ મળી કુલ 4.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી