સુરતમાં 2028ની શરૂઆત મોરારિબાપુની નવ દિવસીય રામકથા સાથે થશે
1થી 9 જાન્યુઆરી દરમિયાન કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા રામકથાનું આયોજન
રામકથા સાથે સરસ્વતીધામ નિર્માણના મહાઅભિયાનને પણ વેગ અપાશે
સુરતમાં વર્ષ 2028ની શરૂઆત આધ્યાત્મિકતા, ભક્તિ અને સેવાભાવના સંગમ સાથે થવા જઈ રહી છે. કાશીબા ગોટી ટ્રસ્ટના ઉપક્રમે પૂજ્ય શ્રી મોરારિબાપુની નવ દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી, 2028 દરમિયાન યોજાનારી આ રામકથા સાથે ટ્રસ્ટના સરસ્વતીધામ નિર્માણના મહાઅભિયાનને પણ વેગ આપવામાં આવશે.
સુરતમાં કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત પત્રકાર સંવાદમાં રામકથા અને શિક્ષણસેવા અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, 1થી 9 જાન્યુઆરી, 2028 દરમિયાન પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાશે.આ રામકથાના સંપૂર્ણ ખર્ચના યજમાન તરીકે સુરતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી લવજીભાઈ બાદશાહની પસંદગી ખુદ પૂજ્ય મોરારિબાપુ દ્વારા કરવામાં આવી હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે.કાશીબા ગોટી ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની સુવિધા ઊભી કરવા માટે કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા અગાઉ 351 સરસ્વતીધામના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, જેને હવે વધારીને 1008 સરસ્વતીધામ સુધી લઈ જવાનો મહાસંકલ્પ કરવામાં આવ્યો છે.ટ્રસ્ટના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 265 સરસ્વતીધામોનું નિર્માણ પૂર્ણ કરી લોકસમર્પિત કરવામાં આવ્યા છે, જ્યારે 35 ભવનોનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે અને વધુ 16 ભવનો માટે પેપરવર્ક ચાલી રહ્યું છે.ગુજરાત સહિત દેશના કુલ 18 રાજ્યોમાં ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને સમાજસેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 344 ભવનો માટે સહયોગી દાતાશ્રીઓ પણ આ અભિયાન સાથે જોડાયા છે.ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, 351 સરસ્વતીધામ સુધીના તબક્કામાં બાંધકામના ખર્ચમાં 50 ટકા યોગદાન ટ્રસ્ટ અને 50 ટકા યોગદાન સહયોગી દાતાશ્રી દ્વારા આપવામાં આવતું હતું. હવે 352મા સરસ્વતીધામથી 1008 સુધીના તબક્કામાં દરેક સરસ્વતીધામના સમગ્ર નિર્માણની આર્થિક જવાબદારી દાતાશ્રીઓ દ્વારા નિભાવવામાં આવશે.આ અભિયાનનો હેતુ માત્ર એક સંસ્થા પૂરતો સીમિત ન રહી, પરંતુ સમગ્ર સમાજના જનસંકલ્પના સ્વરૂપમાં અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ અને સંસ્કારની સુવિધા પહોંચાડવાનો છે.રામકથા દરમિયાન ભક્તિ સાથે શિક્ષણ અને સેવાભાવનો સંદેશ પણ સમાજ સુધી પહોંચાડવામાં આવશે. નવા વર્ષના પ્રારંભે યોજાનારી આ નવ દિવસીય રામકથામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.
આમ, સુરતમાં 2028ના નવા વર્ષની શરૂઆત પૂજ્ય મોરારિબાપુની રામકથાના આધ્યાત્મિક માહોલ સાથે થશે, તો સાથે જ 1008 સરસ્વતીધામના નિર્માણના મહાઅભિયાનને પણ નવી દિશા અને ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
