કેશ ગણી આપવાના બહાને પૈસા લઈ નાસી છૂટતો
56 ગુનાના આરોપીએ પોલીસ પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસ
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે બેંક તથા માર્કેટમાં રોકડા રૂપિયા જમા કરાવવા આવતા ગ્રાહકોને વાતોમાં ભોળવી રોકડા રૂપિયાની ચીટીંગ કરતા રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી ૫૬ ગુનાઓમાં સંડોવાયેલો હતો.
આ અંગે ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે , સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરી નાસ્તા ફરતા રીઢા આરોપીને લાલ ગેટ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી અબ્બાસ સેફુદીન ઉકાણી ઉર્ફે રાજુ સિંદે ઉર્ફે દત્તાત્રે સોનુ શિંદેને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને લાલગેટના પાલિયા ગ્રાઉન્ડથી ઝડપી પાડ્યો છે. આરોપી ખૂબ જ રીઢો ગુનેગાર છે અને શાતીર ચોર છે. આરોપીની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે તે પોતે મોટા બિઝનેસમેન અને બેન્કર ના અધિકારી તરીકે નો વેશ ધારણ કરતો અને બેંક તથા માર્કેટમાં પૈસા ભરવા તેમજ ઉપાડવા આવતા ગ્રાહકો પર નજર રાખતો કોઈ એક ગ્રાહકને ટાર્ગેટ કરી તેની સાથે તેને વાતચીતમાં ભોળવી લેતો અને તેના માલિક વેપારી સબંધીઓના નામ વાત વાતમાં જાણી લેતો હતો અને ગ્રાહકને તેના માલિકને પોતે રૂપિયા આપવાના બાકી છે તેવી વાત કરી પોતાના મોબાઈલ ફોનથી તેના શેઠને ફોન લગાવી શેઠ સાથે વાતચીત કરતો હોવાનું નાટક રચી ગ્રાહક પાસેથી રૂપિયા પડાવી લેતો. ત્યારબાદ રૂપિયા આપવાના બહાને બેંકની નજીકમાં જ પોતાની ઓફિસ અથવા તો દુકાન હોવાનું જણાવી ગ્રાહકને લિફ્ટમાં લઈ જઈ લિફ્ટની સ્વીચ દબાવી દઈ પાંચમા છઠ્ઠા માળે મોકલી આપતો અને પોતે લિફ્ટ માંથી ઉતરી જતો હતો ત્યારબાદ તે પૈસા લઈ ફરાર થઈ જતો હતો. આરોપી વિરુદ્ધ 56 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા જેમાં 44 જેટલા ગુનામાં તે અગાઉ પકડાઈ ચૂક્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત સહિત ગુજરાત રાજ્યના અને અન્ય રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા હતા.