નવાપુરની MIDC માં કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા કરોડોનું નુકસાન
નિજો ફેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમા આગ
ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા
તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નવાપુર શહેરની એમઆઈડીસી વિસ્તારમાં ઈ- ૨૧ માં બે વર્ષ પહેલાં શરૂ કરેલા નિજો ફેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમા સોમવારે બપોરે કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની બાજુમાં આવેલી એક ફેક્ટરીને પણ ચપેટમાં લીધી હતી. જેથી ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
નવાપુર શહેરની એમ આઈડીસીમા સુરતના ઘણા કાપડા બનાવતા ઉધોગ સ્થાઈ થયા છે. જેથી ઈ ૨૧ માં નિજો ફેશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની બે વર્ષ પહેલાં શુરૂ કરવામાં આવી હતી.તેમા સોમવારે કામદારો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા બપોરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે અચાનક તેમાં આગ લાગતા બેથી વધારે ધડાકા થયા હતા જેના કારણે આજુબાજુનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે નિજો ફેશન કંપનીની આજુબાજુ આવેલી એક અન્ય કંપની અને ઓફિસોને પણ તેની આગે ચપેટમાં લઈ લીધી હતી જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ નવાપુર નગરપાલિકાનું અગ્નિશમન દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. જોકે, નવાપુર નગરપાલિકા પાસે માત્ર એક જ ફાયર ફાઈટર હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પાણી પુરવઠા સભાપતિ શરદ રાજપૂતે તાત્કાલિક સોનગઢ, સાક્રી અને નંદુરબારથી વધારાના ફાયર ફાઈટરો મંગાવ્યા હતા. સ્થાનિક નાગરિકો અને અન્ય કંપનીના કામદારોએ પણ આજુબાજુની દુકાનોમાંથી સામાન બહાર કાઢવામાં અને આગ ઓલવવામાં મદદ કરી હતી.
ઘટનાની જાણ નવાપુરના મામલેદાર દત્તાત્રય જાધવ અને પિ.આઈ.અભિષેક પાટીલને મળતા તેઓ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વહીવટી તંત્રએ ભીડને કાબૂમાં લીધી હતી અને અગ્નિશમન કામગીરીને વેગ આપ્યો હતો.કંપનીના માલિકના જણાવ્યા અનુસાર, આ આગમાં મશીનરી, કાચો માલ અને તૈયાર કાપડ બળીને ખાખ થઈ જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તેની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે પંચનામા બાદ નુક્સાનો અંદાજ સામે આવશેઆ ઘટનાએ નવાપુર એમઆઈડીસીમાં સુરક્ષાના સાધનોના અભાવને ઉજાગર કર્યો છે. સુરતના ઘણા ઉદ્યોગપતિઓ અને સ્થાનિકોમાં રોષ છે કે આટલા મોટા ઇન્ડસ્ટ્રિયલ ઝોન માટે પૂરતી અગ્નિશમન સુવિધા કેમ નથી ? આ ભયાનક દુર્ઘટના બાદ હવે વહીવટી તંત્ર જાગશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે પગલાં લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે
