સાણંદના મોરૈયા ગામ નજીક બે કંપનીઓમાં ભીષણ આગ
‘શ્રી હરિ પેપર’ અને ‘પિન્ગાઝ’ નામની કંપનીઓમાં આગ
પૂઠાં બનાવતી કંપની હોવાથી આગ વધુ વિકરાળ બની
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર નજીક આવેલા મોરૈયા ગામમાં આજે વહેલી સવારે બે ખાનગી કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા છેલ્લા પાંચ કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર નજીક આવેલા મોરૈયા ગામની હદમાં આવેલી ‘શ્રી હરિ પેપર’ અને ‘પિન્ગાઝ’ નામની બે કંપનીઓમાં સવારે અચાનક આગ લાગી હતી. બંને કંપનીઓ પતરાના શેડમાં કાર્યરત હોવાથી અને જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્રારા આગ લાગી ત્યારે અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, પેપર અને અન્ય કાચા માલ તેમજ મશીનરી બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
આગની જાણ વહેલી સવારે 6 વાગ્યે ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાણંદ નગરપાલિકા અને બાવળા નગરપાલિકાની કુલ પાંચથી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
