ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના આરોપ પર હર્ષ સંઘવીનો પ્રહાર,
કોંગ્રેસના કાર્યકરો ડ્રગ્સ પકડવા ગયા હતા : હર્ષ સંઘવી
ડ્રગ્સનો વિષય રાજનીતિનો વિષય નથી : હર્ષ સંઘવી
કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ગુજરાત “ડ્રગ્સનું પ્રવેશદ્વાર” બની ગયું છે, જેનો કડક જવાબ આપતા સંઘવીએ જણાવ્યું કે આવા નિવેદનો સુરક્ષાદળોની મહેનતને ખોટી રીતે રજૂ કરે છે.
ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની પ્રવૃત્તિઓ અંગે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તીખો પ્રહાર કરતા કહ્યું કે, “ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ઘુસાડી નથી રહું. કોંગ્રેસ ડ્રગ્સ પકડી રહી છે કે પોલીસ? કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ગુજરાત “ડ્રગ્સનું પ્રવેશદ્વાર” બની ગયું છે, જેનો કડક જવાબ આપતા સંઘવીએ જણાવ્યું કે આવા નિવેદનો સુરક્ષાદળોની મહેનતને ખોટી રીતે રજૂ કરે છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે મળીને ૩૦૦ કિલોથી વધુ અને ૧૮૦૦ કિલો સુધીના ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે. ગુજરાતના ચોક્કસ અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે સમયસર વોચ ગોઠવીને આ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. તેમણે ઉમેર્યું કે, “આ ડ્રગ્સ પકડાવાનું કામ એક કે બે દિવસમાં થતું નથી. આની પાછળ મહિનાઓની મહેનત, ઇન્ટેલિજન્સ અને જાંબાઝ અધિકારીઓનો દ્રઢ સંકલ્પ છે. હર્ષ સંઘવીએ પાકિસ્તાનના ઇશારે થતી ડ્રગ્સ હેરાફેરીને “નાપાક હરકત ગણાવી જણાવ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા ગુજરાત પોલીસે સતત ઓપરેશનો હાથ ધર્યા છે અને સફળતા પણ મેળવી છે. કોંગ્રેસના આરોપોને રાજકીય ગણાવતાં ગૃહમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, આ મુદ્દો રાજકારણનો નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાની લડાઈ જાહેર રીતે શરૂ કરી છે, અને પોલીસ અધિકારીઓ એના માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.