કાપોદ્રા બ્રિજ પર બેફામ ટ્રકચાલકે સર્જ્યો અકસ્માત
પૂરપાટ ઝડપે બ્રિજ પર ચડતા બે બાઈકને અડફેટે લીધા
44 વર્ષીય યુવકનું મોત; બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કાપોદ્રા બ્રિજ ચડતા સમયે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલક દ્વારા બે બાઈકને અડફેટે લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ સાથે જ પિક અવર સમયમાં અકસ્માતના પગલે ટ્રાફિકના દૃશ્યો પણ સર્જાયા હતા.
શહેરમાં કાપોદ્રા બ્રિજ પર પૂરપાટ દોડી રહેલા રાધે શ્યામ ટ્રાન્સપોર્ટના ટ્રકના ચાલકે બે બાઈક અડફેટે લીધા હતા, જેના પગલે એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બેને ગંભીર રીતે ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.પુણાગામ વિસ્તારમાં આવેલી શંકર નગર સોસાયટીમાં 44 વર્ષીય માલવિયા ભુપતભાઈ લાલજીભાઈ બાઈક પર કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહેલા આઇસર ટ્રકના ચાલકે તેમની બાઇકને પહેલા અડફેટે લીધી અને ત્યારબાદ અન્ય એક બાઈકને પણ અડફેટે લીધી હતી. જેથી, ભુપતભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ભીમસિંહ પટેલ સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પિક અવર્સ દરમિયાન અકસ્માતાના પગલે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આ ઘટના અંગેની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ટ્રકના ચાલકને કાપોદ્રા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જ્યારે અકસ્માતમાં મોતને ભેંટનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.