અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર વિવાદ
અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા
પૂરતાં ટોકન ન અપાતા લોકોમાં આક્રોશ
17 કલાકથી બેંક બહાર શ્રદ્ધાળુ ઊભાપગે,
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.સુરતમાં રીંગરોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500થી વધુ ભક્તો રાતથી જ લાઈનમાં ઉભા હતા પણ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુઓના રજિસ્ટ્રેશન કરાશે એમ જણાવાતા ભક્તોનો રોષ ફાટ્યો હતો.
સુરતમાં અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા ભક્તોએ આરોપ મૂક્યો છે કે, બેંક દ્વારા બાકીના રજિસ્ટ્રેશન પૈસા લઇને અન્ય માર્ગે કરવાના પ્રયાસ થઈ શકે છે. અનેક ભક્તોએ જણાવ્યું કે, તેઓ મોડી રાતથી લાઈનમાં ઉભા છે, ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડવાનું પસંદ નથી કરી રહ્યાં. જ્યારે રાત્રિ દરમિયાન પણ તેઓએ બેંકની બહાર જ બેસીને રજિસ્ટ્રેશનની રાહ જોઇ હતી. ભક્તો બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે. કેટલાક લોકોએ તો ખાવા-પીવાના સાધનો સાથે બેંકની બહાર જ વ્યવસ્થા ગોઠવી લીધી છે અને ત્યાં જ બેસીને પોતાના વારો આવાની રાહ જોઈ રહ્યા છે.
શિવ સેવક ગ્રુપના પ્રમુખ જગદીશભાઈ મેરે જણાવ્યું હતું કે, સવારે જ્યારે જમ્મુ કાશ્મીર બેંકમાં આવ્યા અને રજૂઆત કરી ત્યારે એ લોકોએ જણાવ્યું હતું કે, આજે માત્ર 25 લોકોના રજિસ્ટ્રેશન કરવાના છે જે તદ્દન ખોટું છે. બેંકમાં 100 રજિસ્ટ્રેશનનો ક્વોટા હોય છે, 100 બાલતાલ અને 100 પહેલગામનો ક્વોટા હોય છે. કાલ રાતથી લોકો લાઈન લગાવીને બેસ્યા છે. તો કેટલાક લોકો સવારે ચાર વાગ્યાથી આવીને બેસ્યા છે.અમારું હક ખાઈ જાય એ સરાસર અન્યાય છે. અમે બેંકના લોકોને પૂછ્યું કે, જે 75 રજિસ્ટ્રેશન બાકી રહેશે તેનો શું કરવાના છો, મળતિયાઓને આપવાના છો કે વેચાણથી આપવાના છો, કે કશું ખોટું કરવાના છો?.બધા શિવભક્તો ગઈકાલ રાતથી આવ્યા છે, એમને ન્યાય મળવો જ જોઈએ. આ લોકો બહાનું કાઢે છે કે, એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંકમાં પણ 100 જેટલા રજિસ્ટ્રેશન થાય છે તમે ત્યાં જાઓ, પરંતુ દર વર્ષે અમે આ જ બેંકમાં રજિસ્ટ્રેશન કરાવીએ છીએ, તો શા માટે અન્ય બેંકમાં જઈએ?