સુરત-હજીરા રો-રો ફેરી મારફતે દારૂની હેરાફેરી
ટ્રકમાંએમ.એસ. સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો છુપાવાયો હતો
18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ
સુરત હજીરા રો-રો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાં ભરેલા M.S(માઇલ્ડ સ્ટીલ) સ્ક્રેપની નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂ. 1.09 લાખથી વધુનો હોવાનું ખુલ્યું છે.
હજીરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળી હતી કે, સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રકમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલ છે અને તે રો-રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. આ બાતમી આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમએ વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી.ચકાસણી દરમિયાન ટ્રકમાં M.S. સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું, પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. કુલ 113 વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,09,473 આંકવામાં આવી છે. આ ઉપરાંત ટ્રકમાં રહેલું M.S. સ્ક્રેપ, જેનું વજન 16.100 ટન છે, તેની કિંમત રૂ. 7,02,926 દર્શાવવામાં આવી છે.આ કેસમાં પોલીસે બે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં વિમલભાઇ ધીરૂભાઇ દોંગા (ઉં.વ. 43), ધંધો ટ્રાન્સપોર્ટ, રહે. યશપાર્ક, ગુંદાળા ચોકડી, તા. ગોંડલ, જિ. રાજકોટ તથા કિરણભાઇ બુધાભાઇ ભાટીયા (ઉં.વ. 24), ધંધો ક્લીનર, રહે. હુડકો સોસાયટી, વોરા કોટડા રોડ, તા. ગોંડલ, જિ. રાજકોટનો સમાવેશ થાય છે.