સુરતના હિરા વેપારી સાથે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપની છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરતના હિરા વેપારી સાથે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપની છેતરપિંડી
અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ઈકો સેલની ટીમે ધરપકડ કરી
એસઆઈડીબીઆઈ લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ

સુરતના હિરા વેપારી સાથે કરોડોની છેતરપિંડીના મામલે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ધરપકડ કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોકબજાર વિસ્તારમાં હોફ ફર્નિચરના માલિક અને ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા કેતન પટેલને આરોપીઓએ લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં મોટા નફાની લાલચ આપી હતી. અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીએ દર મહિને 300 લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને આપવાનો વાયદો કર્યો હતો અને તે અંગે નોટરાઇઝ કરાર પણ કરવામાં આવ્યો હતો. આ લોકો પર વિશ્વાસ રાખીને કેતન પટેલે અમેરિકામાં રહેતા પોતાના બહેન-બનેવી પાસેથી મોટી રકમ મંગાવી અને કંપનીમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ કરાર મુજબ કેટલાક હીરા આપ્યા હતા, જેના કારણે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. પરંતુ બાદમાં તેમણે અચાનક ઉત્પાદન બંધ કરી દીધું અને હીરાની સપ્લાય રોકી દીધી હતી. હીરાની સપ્લાય બંધ થતાં કેતન પટેલનો ધંધો અટકી ગયો હતો. તેમનું કરોડો રૂપિયાનું રોકાણ ફસાઈ ગયું હતું. જ્યારે તેમણે પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ બહાનાં બનાવવાનું શરૂ કર્યું. પછી ફોન બંધ કરીને સંપર્ક તોડી નાખ્યો હતો. કેતન પટેલને હવે વિશ્વાસ થઇ ગયો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. અંતે તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુરુવારે મોડી રાત્રે કાર્યવાહી કરીને અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી હતી. શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ ધરપકડ કરાયેલા અંકુશ નાકરાણી અગાઉ સીબીઆઈના એક લોન ફ્રોડ કેસમાં પણ શામેલ હોવાનું બહાર આવ્યું છે. એસઆઈડીબીઆઈ લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં ડિસેમ્બર 2025માં સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. બીજી તરફ, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક કરોડોના વિવાદોમાં પણ તેમનું નામ અગાઉ સામે આવી ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *