સાવરકુંડલાના મીતીયાળામાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો

Featured Video Play Icon
Spread the love

સાવરકુંડલાના મીતીયાળામાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો
ખાંભા અને સાવરકુંડલા પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરીય હલચલ તેજ બની છે. આ પંથકમાં વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત મોડી રાત્રે ફરી એકવાર ધરા ધ્રૂજતા લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

અમરેલી સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રિના 3:36 મિનિટે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધણધણી ઉઠી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ હતી. જોકે આંચકો ઓછી તીવ્રતાનો હતો, પરંતુ સ્થાનિક સ્તરે તેની અસર વર્તાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મીતીયાળા આસપાસ હોવાનું મનાય છે. આ આંચકાની અસર મીતીયાળા ઉપરાંત ધજડી સાકરપરા, ખાંભા, ઈંગોરાળા, ભાડ અને વાંકિયા સહિતના આસપાસના અનેક ગામોમાં વર્તાઈ હતી. અચાનક આવેલા આંચકાને કારણે વાસણો ખખડવા અને બારી-બારણાં ધ્રૂજવા જેવી ઘટનાઓ બની હતી, જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

છેલ્લા 20 થી 25 દિવસથી આ વિસ્તારમાં સતત નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. વારંવાર ધ્રૂજતી ધરતીને કારણે સ્થાનિક લોકો હવે રાત્રે ઘરમાં સુતા પણ ડરી રહ્યા છે. ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે આ ‘અર્થક્વેક સ્વાર્મ’ જેવી સ્થિતિ હોઈ શકે છે, જેમાં લાંબા સમય સુધી નાના આંચકાઓ આવતા રહે છે. વારંવારની આ ભૌગોલિક ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને લોકોને ગભરાવાને બદલે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *