સુરતમાં એમ-પરિવહન લિંકથી સાયબર ઠગાઈ
અમરોલીના વ્યક્તિના ખાતામાંથી ₹57 હજારની ચોરી
રાંદેરમાંથી એક સાયબર ઠગ ઝડપાયો
સુરતમાં સાયબર ઠગોએ હવે એમ પરિવહનની લિંકના નામે લોકોને નિશાન બનાવી રહ્યા છે ત્યારે અમરોલી વિસ્તારમાં એક વ્યક્તિનો મોબાઇલ હેક કરીને બેંક ઓફ બરોડાના ખાતામાંથી 57 હજાર થી વધુ ઉપાડી લેવા મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઠગને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં એમ પરિવહનની ચલણની લિંકના નામે સાયબર ઠગાઈનો યુવાન ભોગ બન્યો હતો. અમરોલી વિસ્તારમાં રહેતા યુવાનને અજાણ્યા શખસે લિંક મોકલી હતી. આ લિંક ખોલતાં ફરિયાદીનો મોબાઇલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ 4 ઓક્ટોબર, 2026ના રોજ ફરિયાદીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 28 હજાર 799 રૂપિયા અને 28 હજાર 779 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. કુલ 57 હજાર 578 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જેથી અમરોલી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાંથી આરોપી શુભમ પ્રદીપભાઈ ખરચેને ઝડપી પાડ્યો હતો. હાલ અમરોલી પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન, ત્રણ પેટીએમ યુપીઆઈ સ્વાઈપ મશીન અને રાંદેર કો-ઓપરેટિવ બેંકની પાસબુક કબજે કરી હતી. તો આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડની રકમ આવવા અંગે એનસીઆરપી પોર્ટલ પર 13 અરજીઓ નોંધાઈ છે. આ અરજીઓ અંગે પોલીસની વધુ તપાસ ચાલુ છે.
