મોરબીના ઘુટુ ગામમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન
જીરું-લસણ સહિતના પાકને ભારે નુકસાન
ઘઉં જેવા તૈયાર પાકોને અસર થતા ખેડૂતો ચિંતિત બન્યા
મોરબી જિલ્લામાં ગઈકાલે બપોરથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને જીરું, ચણા, લસણ અને ઘઉં જેવા તૈયાર પાકોને અસર થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના પાંચેય તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે કારખાનાના પતરા પણ ઉડી ગયા હતા. ખેતીના પાકમાં પણ મોટા પાયે નુકસાન નોંધાયું છે. મોરબી તાલુકાના ઘુટુ ગામમાં ખેડૂતોએ ચણા, લસણ, જીરું અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું હતું. મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા અને તેની લણણીની કામગીરી ચાલી રહી હતી.
ઘુટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, ચણા, જીરું અને લસણના પાથરા કરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં રાખ્યા હતા. જોકે, ભારે પવનના કારણે આ પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદથી તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર મળે તેવી ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સહાય નહીં મળે તો આગામી સિઝનમાં બિયારણ ખરીદીને વાવેતર કરવું મુશ્કેલ બનશે અને તેઓ પાયમાલ થઈ જશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
