ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોર્ટનું લોકાર્પણ
હર્ષ સંઘવીએ કહ્યું આ ભવન માત્ર વકીલો કે ગુનેગારો માટે નથી
ગુનેગારો સામે મજબૂત પુરાવા અને સાક્ષીઓ તૈયાર કરવી તે અત્યંત જરૂરી
ઉચ્છલ કોર્ટનું લોકાર્પણ થયું ત્યારે નાયબમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આ ભવન માત્ર વકીલો કે ગુનેગારો માટે નથી, પરંતુ સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાસભર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સાક્ષી તરીકે આખો દિવસ કોર્ટમાં રહેવા પડતાં લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
ગુજરાત સરકાર અને ન્યાયતંત્ર મળીને નાગરિકોને વધુ સગવડતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. ઉચ્છલ કોર્ટના લોકાર્પણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ન્યાયતંત્ર જેટલું ઝડપી ન્યાય આપે છે, એટલી જ જવાબદારી પોલીસ અને સરકારી તંત્રની પણ છે. ગુનેગારો સામે મજબૂત પુરાવા અને સાક્ષીઓ તૈયાર કરવી તે અત્યંત જરૂરી છે. તેમણે, સરકારી વકીલોને દરેક કેસમાં માત્ર પીડિતના દ્રષ્ટિકોણથી ન્યાય મળે તે દિશામાં પ્રોત્સાહિત કર્યુ હતુ. દરેક નાગરિકને ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય મળવો એ બંધારણીય અધિકાર છે. આ અધિકારની પૂર્તિ માટે સરકાર અને ન્યાયતંત્ર ખભે ખભા મિલાવી સતત કાર્યરત છે,
વર્ચ્યુઅલ કોર્ટ, ઈ-ફાઈલિંગ અને પેપરલેસ સિસ્ટમ જેવી નવી પહેલો ન્યાયપ્રણાલીનો અવિભાજ્ય ભાગ બની રહી છે. વડાપ્રધાનશ્રી કહે છે કે, ‘ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ, પણ ક્યારેક તેની પ્રક્રિયા જટિલ બની જાય છે’. એ પ્રક્રિયાને સરળ બનાવવા સરકાર અને ન્યાયતંત્ર મળીને સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ તકે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામેલું આ નવું કોર્ટ બિલ્ડીંગ માત્ર માળખું નથી, પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયનું આશાનું કિરણ છે. તેમણે કોર્ટ પરિસરની સ્વચ્છતા જાળવવાની સૌને અપીલ કરી હતી….
