સુરત વેસુ વિસ્તારમાં કાર પાર્કિંગને લઈ થયેલ વિવાદ
એક વકીલ સહિત ચાર શખ્સોએ મારામારી કરી
એડવોકેટ સહિતનાઓ સામે ગુનો નોંધી ત્રણ આરોપીઓને ઝડપ્યા
સુરત વેસુ વિસ્તારમાં કાર પાર્કિંગને લઈને થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક વકીલ સહિત ચાર શખ્સોએ મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે. વેસુ પોલીસે આ મામલે એડવોકેટ સહિતનાઓ સામે ગુનો નોંધી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગરામપુરા દેસાઈ શેરીમાં રહેતા ફેનિલ રાજેશભાઈ પટેલ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 29 મેના રોજ રાત્રે ફેનિલ તેમના મિત્ર હર્ષ સાથે બાઇક પર કામ માટે જઈ રહ્યા હતા. વેસુ પ્રાઈમ શોપિંગ સેન્ટરની ગલીમાં એક કેફેનું ઓપનિંગ ચાલી રહ્યું હતું. જ્યાં એક કાર રસ્તાની વચ્ચે ઉભી હોવાથી રસ્તો બ્લોક થયો હતો. ફેનિલે કાર ચાલકને રસ્તો ખાલી કરવા વિનંતી કરી, પરંતુ ચાલકે આક્રમક વલણ અપનાવીને કહ્યું, તેરે કો બહુત જલ્દી હૈ, મેં વકીલ હું, અને ગાળો આપવા લાગ્યો હતો. આ ઉપરાંત, તેણે કારને રિવર્સ લઈ ફેનિલની બાઈકને ટક્કર મારી હતી અને ઝઘડો કરીને ભાગી ગયો હતો. બાદમાં, ફેનિલે તેમના મિત્ર હર્ષિલને ફોન કરીને લેવા આવવા જણાવ્યું અને નજીકના ગ્રીન સિગ્નેચર કોમ્પ્લેક્સમાં પાણી પીવા રોકાયા હતા. જ્યાં આરોપી કાર ચાલક અન્ય ત્રણ શખ્સો સાથે ત્યાં પહોંચી ગયો અને ફેનિલને મારવા લાગ્યો હતો. ફેનિલના મિત્રો હર્ષ અને હર્ષિલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો અને હું વકીલ છું, જા તારાથી થાય તે કરી લે, જાનથી મારી નાખીશ એમ કહીને ગાળો આપી ભાગી ગયા હતાં. આ ઘટનાને પગલે ફેનિલે વેસુ પોલીસ મથકમાં એડવોકેટ ગુલશન, વિકી ઝવેરી, રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.